વર્ક વિઝા માટે ક્રિમિનલ રેકોર્ડ સર્ટિફિકેટ જરૂરી

Monday 27th March 2017 12:33 EDT
 
 

લંડનઃ બ્રિટને એપ્રિલ મહિનાથી ભારત સહિતના નૉન-યુરોપિયન દેશોના નાગરિકોને વિઝા ઇસ્યુ કરતા પહેલા તેમનો ક્રિમિનલ રેકોર્ડ તપાસવાનો નિર્ણય કર્યો છે. બ્રિટિશ સરકારના નવા નિયમને જો કે હજુ સંસદની મંજૂરી મળવાની બાકી છે. અત્યાર સુધી વિઝાની અરજી સાથે અરજદારે સેલ્ફ ડેક્લેરેશન કરીને પોતે કોઈ અપરાધિક રેકોર્ડ ધરાવતાં નથી જણાવવાનું રહેતું હતું. હવે ટાયર-૨ શ્રેણી હેઠળની વિઝા અરજી સાથે અરજદારે પોતાના વિસ્તારના પોલીસ વિભાગમાંથી કોઈ અપરાધિક રેકોર્ડ નથી તે મુજબનું પ્રમાણપત્ર મેળવીને રજૂ કરવું પડશે.

ઇમિગ્રેશન મિનિસ્ટર રોબર્ટ ગુડવીલે સ્પષ્ટ કર્યું હતું કે, 'વિદેશી અપરાધીઓને બ્રિટનના સમાજમાં કામ કરવાનો કોઈ અધિકાર નથી. અત્યારે પણ અમે અપરાધિક રેકોર્ડના આધારે વિઝાનો ઈનકાર કરવાનો અધિકાર જાળવી રાખ્યો છે પણ દિશામાં વધારાની સુરક્ષાના ભાગરૂપ બાળકો માટે કે અન્ય સંવેદનશીલ કામગીરી માટે વિઝા ઈચ્છુકો પાસેથી ક્રિમિનલ રેકોર્ડ સર્ટીફિકેટ મેળવવાનું નક્કી કર્યું છે.'

પ્રસ્તાવિત નિયમ મુજબ માત્ર બ્રિટનના વર્ક વિઝા મેળવવા માગતી વ્યક્તિએ પોતાના પાર્ટનર કે જીવનસાથીનું ક્રિમિનલ રેકોર્ડ સર્ટિફિકેટ રજૂ કરવું પડશે. અત્યારે ચાર વર્ષ કે તેથી વધુની જેલની સજા ભોગવી ચૂકેલી વ્યક્તિની વિઝા અરજી આપમેળે નામંજૂર કરી દેવાય છે.

નવા લાગૂ થનારા નિયમ મુજબ ટાયર-૨ શ્રેણી હેઠળ વર્ક વિઝા માટે અરજી કરનારાએ પોતે કોઈ ગુનાઇત બેકગ્રાઉન્ડ ધરાવતા નથી તે દર્શાવવા માટે પોતાના દેશ અથવા છેલ્લા ૧૦ વર્ષમાં ૧૨ કે વધુ મહિના જે દેશમાં રહ્યાં હોય તે દેશના સત્તાવાળા પાસેથી આ પ્રકારનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે. નોન-યુરોપિયન દેશોમાંથી બ્રિટનમાં શિક્ષક, નર્સ કે સામાજિક કાર્યકર તરીકે કામ કરવા માટે વિઝા મેળવવા માગતા અરજદારો પર નિયમ લાગુ પડશે. જોકે, ૧૮થી ઓછી વયના અરજદારને તે લાગુ નહિ થાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter