વર્કર્સને £૨૫૦૦ વેતન સાથે વધુ સહાયકારી પગલાં જાહેર

Wednesday 25th March 2020 00:59 EDT
 
 

લંડનઃ ચાન્સેલર રિશિ સુનાકે નવું કોરોના વાઈરસ પેકેજ જાહેર કરી બ્રિટિશરોને ખાતરી આપી છે કે કોરોના સંકટનો સામનો કરવામાં તેઓ એકલા નથી. સરકાર વર્કર્સના ૮૦ ટકા વેતનની ચૂકવણી આવરી લેશે, VAT બિલ્સ મુલતવી રાખશે અને વેલ્ફેર ચૂકવણીઓમાં સાત બિલિયન પાઉન્ડનો વધારો કરશે. આ જંગી બચાવ પેકેજ પ્રારંભિક ત્રણ મહિના માટે અમલી રહેશે અને તેનું ભંડોળ ઋણ લઈને ઉભું કરવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે સામાજિક સંપર્કો ટાળવાના પગલાંથી અર્થતંત્ર લગભગ ઠપ થવાની સ્થિતિમાં આવી ગયું છે.

ચાન્સેલરે કહ્યું છે કે આગામી ક્વાર્ટર માટે ૩૦ બિલિયન પાઉન્ડ જેટલા મૂલ્યના VAT બિલ્સ મુલતવી રખાશે તેમજ સુરક્ષાજાળને વધુ મજબૂત બનાવવા વેલ્ફેર યોજનામાં સાત બિલિયન પાઉન્ડનો વધારો કરાશે. હાફસિંગ બેનિફિટમાં વધારો કરાવાથી ભાડૂતોને એક બિલિયન પાઉન્ડની રાહત મળશે. સામાન્ય લોકો માટે સરકાર કશું કરી નથી રહીના આક્ષેપો વચ્ચે વડા પ્રધાનની સાથે રહી ચાન્સેલરે આ જાહેરાતો કરી હતી. તેમણે લોકોને નોકરીઓમાંથી હાંકી નહિ કાઢવા બિઝનેસીસને સીધી અપીલ કરતા કહ્યું હતું કે,‘સરકાર તમારી પડખે ઉભા રહેવા શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે અને તમારે પણ આપણા વર્કરોની પડખે ઉભા રહેવું જોઈએ.’

તેમણે કહ્યું હતું કે ઈતિહાસમાં પહેલી વખત સરકાર હસ્તક્ષેપ કરી લોકોના વેતનની ચૂકવણીમાં સહાય કરશે. જે વર્કર એમ્પ્લોયરના ચોપડામાં છે તેમને તેમના વેતનના ૮૦ ટકા એટલે કે માસિક ૨૫૦૦ પાઉન્ડ સુધીનું વેતન ચૂકવવા સરકાર બાંહેધરી આપે છે અને આ ખર્ચ પાછળ કોઈ મર્યાદા રખાઈ નથી. આ યોજના કોરોના કટોકટીના આરંભથી પહેલી એપ્રિલથી આગળ સુધીના સમયની રહેશે. ચાન્સેલરે કહ્યું હતું કે,‘ સરકારે નવી કોરોના વાઈરસ જોબ રીટેન્શન સ્કીમ તૈયાર કરી છે. દેશમાં નાના-મોટા, ચેરિટેબલ અથવા નોન-પ્રોફિટ, કોઈ પણ એમ્પ્લોયર આ યોજના માટે લાયક ગણાશે. એમ્પ્લોયર્સ જે લોકો કામ કરી રહ્યા નથી પરંતુ, રજા પર ઉતારાયા છે અને લે-ઓફ નહિ આપીને પેરોલ પર રખાયા છે તેવા વર્કરોના વેતનના ૮૦ ટકા (કુલ માસિક ૨૫૦૦ પાઉન્ડ) સુધી આવરી લેતાં વેતનની ગ્રાન્ટ મેળવવા HMRCનો સંપર્ક કરી શકે છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter