લંડનઃ પૂર્વ ચીફ પ્રોસિક્યુટરે માગ કરી છે કે વર્કિંગ ક્લાસના લોકોને પણ મહિલાઓ અને વંશીય લઘુમતી સમુદાયોની જેમ કાયદાકીય સંરક્ષણ પ્રાપ્ત થવું જોઇએ. ગ્રેટર માન્ચેસ્ટરમાં ક્રિએટિવ ઇન્ડસ્ટ્રીમાં ક્લાસ સિલિંગની સમીક્ષાનું નેતૃત્વ કરનાર નાઝિલ અફઝલે સામાજિક અને આર્થિક સ્થિતિના આધારે કાયદાકીય સંરક્ષણ આપવા ઇક્વાલિટી એક્ટમાં સુધારો કરવા સરકાર સમક્ષ માગ કરી છે.
માન્ચેસ્ટર યુનિવર્સિટીના ચાન્સેલર નાઝિલ અફઝલ અને નેશનલ યુનિયન ઓફ ટીચર્સના પૂર્વ ડેપ્યુટી જનરલ સેક્રેટરી એવિસ ગિલમોર દ્વારા કરાયેલી સમીક્ષામાં જણાવવામાં આવ્યું છે કે ગ્રેટર માન્ચેસ્ટરમાં 51 ટકા વર્કિંગ ક્લાસ ક્રિએટિવ્સ સાથે તેમના બેક ગ્રાઉન્ડના કારણે હેરાનગતિ કરાય છે અને ધમકી અથવા પક્ષપાતનો સામનો કરવો પડે છે.
રિપોર્ટમાં ભલામણ કરવામાં આવી છે કે વર્કિંગ ક્લાસના લોકોને શહેરે સ્વેચ્છાએ સંરક્ષણ આપવું જોઇએ. જો કે અફઝલે આગળ વધતા રાષ્ટ્રવ્યાપી કાયદાની ભલામણ કરી છે.

