વર્કિંગ પેરન્ટ્સને ચાઇલ્ડ કેર માટે મોટી રાહત

સપ્ટેમ્બર 2025 સુધીમાં 9 માસથી 3 વર્ષ વચ્ચેના બાળકોને 30 કલાક વિનામૂલ્યે ચાઇલ્ડ કેર ઉપલબ્ધ કરાવાશે

Tuesday 21st March 2023 07:47 EDT
 
 

ચાઇલ્ડ કેર સિસ્ટમમાં સરકાર દ્વારા મોટા બદલાવ કરાતાં વર્ષના અંતે માતા-પિતા સેંકડો પાઉન્ડની બચત કરી શકશે. સ્પ્રિંગ બજેટમાં ચાન્સેલર જેરેમી હન્ટે ચાઇલ્ડ કેર સિસ્ટમમાં સાત મોટા સુધારાની જાહેરાત કરી હતી. હાઉસ ઓફ કોમન્સમાં બજેટ રજૂ કરતી વખતે ચાન્સેલરે જણાવ્યું હતું કે, નર્સરીમાં પ્રતિ કર્મચારી બાળકોની સંખ્યા ચારથી વધારીને પાંચ કરાશે. ચાઇલ્ડ કેર માટે નર્સરીઓને વધુ ભંડોળની ફાળવણી કરાશે.

યુનિવર્સલ ક્રેડિટનો લાભ મેળવતા માતાપિતાને ચાઇલ્ડ કેર કોસ્ટ સરકાર દ્વારા ચૂકવવામાં આવશે અને તેમને અપાતા લાભમાં સેંકડો પાઉન્ડનો વધારો કરાશે. જે લોકો ચાઇલ્ડમાઇન્ડર તરીકે કામ કરે છે તેમને 600 પાઉન્ડ ચૂકવાશે જ્યારે ચાઇલ્ડમાઇન્ડર તરીકે કામ કરતા એજન્સી વર્કરોને પાઇલોટ સ્કીમના ભાગરૂપે 1200 પાઉન્ડ ચૂકવવામાં આવશે. ચાઇલ્ડ કેર માટે શાળાઓને પણ વધુ ભંડોળની ફાળવણી કરાશે. 9 માસ અને બે વર્ષ વચ્ચેના બાળકો ધરાવતા માતાપિતાને 30 કલાક વિનામૂલ્યે ચાઇલ્ડ કેર ઉપલબ્ધ કરાવાશે.

હન્ટે જણાવ્યું હતું કે, 9 માસથી બે વર્ષ વચ્ચેના એવા માતાપિતાને જ આ મદદ કરાશે જે ઘરના તમામ પુખ્તો ઓછામાં ઓછા 16 કલાક કામ કરતા હોય. એપ્રિલ 2024થી બે વર્ષના બાળક ધરાવતા માતાપિતાને પ્રતિ સપ્તાહ 15 કલાકની ચાઇલ્ડકેર વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવાશે. સપ્ટેંમ્બર 2024થી આ સુવિધા 9 માસના બાળક ધરાવતા માતાપિતાને પણ ઉપલબ્ધ કરાવાશે. સપ્ટેમ્બર 2025થી 9 માસથી મોટા તમામ બાળકોના યોગ્યતા ધરાવતા માતાપિતાને પ્રતિ સપ્તાહ 30 કલાક વિનામૂલ્યે ચાઇલ્ડ કેર ઉપલબ્ધ કરાવાશે.

ચાઇલ્ડ કેર નિયમોમાં સુધારા

• એપ્રિલ 2024 – બે વર્ષથી મોટા બાળકોને સપ્તાહના 15 કલાક વિનામૂલ્યે ચાઇલ્ડકેર

• સપ્ટેમ્બર 2024 – 9 માસથી બે વર્ષ વચ્ચેના બાળકોને 15 કલાક વિનામૂલ્યે ચાઇલ્ડ કેર

• સપ્ટેમ્બર 2025 – 9 માસથી 3 વર્ષ વચ્ચેના બાળકોને 30 કલાક વિનામૂલ્યે ચાઇલ્ડ કેર

• યુનિવર્સલ ક્રેડિટ પરના 7 લાખ પરિવારોને ચાઇલ્ડ કેર સપોર્ટ, તેના માટે દાવો કરવો નહીં પડે

• પ્રતિ બાળક 951 પાઉન્ડ અને બે બાળકો માટે પ્રતિ માસ 1630 પાઉન્ડની સહાય અપાશે

• ચાઇલ્ડમાન્ડર્સ બનતા લોકોને 600 પાઉન્ડ અને એજન્સી દ્વારા આવેલાને 1200 પાઉન્ડ ચૂકવાશે


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter