લંડનઃ વર્જિન એરની લંડનથી લાહોર જતી ફ્લાઇટમાં ક્રુ મેમ્બરને બળાત્કાર અને હત્યાની ધમકી આપનાર ફર્સ્ટ ક્લાસના પેસેન્જર 38 વર્ષીય સલમાન ઇફ્તિખારને અગાઉ અપાયેલી સજા 3 ગણી કરી દેવાઇ છે. સલમાન 2023માં પરિવાર સાથે લંડનથી લાહોર જઇ રહ્યો હતો. બરફ લેવાના મામલે ક્રુ મેમ્બરે સલમાનને પોતાની સીટ પર જવાનું કહેતાં સલમાને તેને ધમકી ઉચ્ચારી હતી કે પાકિસ્તાનના લાહોરમાં હોટેલ રૂમમાં તેના પર ગેંગરેપ કરાશે અને ત્યારબાદ તેની હત્યા કરી નાખવામાં આવશે. તેણે અન્ય ક્રુ મેમ્બર્સને એવી પણ ધમકી આપી હતી કે તમે જે હોટેલમાં રોકાવાના છો તેને બોમ્બ વિસ્ફોટથી ઉડાવી દેવાશે. 1 ઓગસ્ટ 2025ના રોજ આયલવર્થ ક્રાઉન કોર્ટ દ્વારા ફક્ત 15 મહિના કેદની સજા ફટકારવામાં આવી હતી. જેની સામે અપીલ કરાતા કોર્ટ ઓફ અપીલે સલમાનની સજા 4 વર્ષ અને 3 મહિનાની કરી હતી.

