લંડનઃ હોમ સેક્રેટરી શબાના મહમૂદ ઈમિગ્રેશન સિસ્ટમને વધુ કડક બનાવવા સજ્જ છે ત્યારે પ્રાઈમ મિનિસ્ટર એન્ડી બર્નહામ સોશિયલ કેર સેક્ટરમાં હાલ કાર્યરત લાખે કેર વર્કર્સ માટે રાઈટ ટુ રિમેઈન નિયમો હળવા બનાવવા વિચારી રહ્યા છે જેથી આ સેક્ટર પરનું દબાણ હળવું બની રહે. આગામી સપ્તાહે કરાનારા સંબોધનમાં પ્રાઈમ મિનિસ્ટર આગામી જનરલ ઈલેક્શન પહેલા નેશનલ કેર સર્વિસની સ્થાપના કરવાની તેમની મક્કમતા જાહેર કરશે. સોશિયલ કેર સેક્ટરમાં લુઈસ કેસીનો રિવ્યૂ વહેલો લાવવાની પણ જાહેરાત થઈ શકે છે.
પ્રાઈમ મિનિસ્ટર બર્નહામ યુકેમાં સેટલ્ડ સ્ટેટસ હાંસલ કરવાનું વધુ મુશ્કેલ બનાવવાની હોમ સેક્રેટરી મહમૂદની યોજનામાં વ્યાપક રાહતો આપવાનું પણ વિચારી રહ્યા છે. હોમ ઓફિસ આ મુદ્દે જાહેર પરામર્શપર પ્રતિભાવોનો વિચાર કરી લે તે પછી આ વર્ષના અંત ભાગમાં તેની જાહેરાત થઈ શકે છે.બર્નહામે સોશિયલ કેર સિસ્ટમમાં સુધારાઓને તેમની પ્રાથમિકતા યાદીમાં મોખરે રાખ્યા છે. જાણકાર સૂત્રોના જણાવ્યા મુજબ બર્નહામ સોશિયલ કેર સિસ્ટમ બાબતે કશું કરવા મક્કમ છે. હેલ્થ સેક્રેટરી તરીકે 15 વર્ષ પહેલા તેમણે આમ કરવા પ્રયાસ કર્યો હતો, પરંતુ નિષ્ફળ ગયા હતા. આ મુદ્દો તેમના માટે ઘણો અંગત છે અને રાજકીય કિંમત ચૂકવવી પડે તો પણ આગામી ચૂંટણી પહેલા કેટલાક પગલા જાહેર કરી શકે છે.

