લંડનઃ વર્તમાન યુગમાં સતત જૂઠાણાં આચરી ભોળા અને અસલામત લોકોને મૂર્ખ બનાવી કે ઠગીને તેમના નાણા પડાવી લેનારા ઠગારાની કોઈ અછત નથી. બ્રિટનમાં મની-લોન્ડરિંગ સામાન્ય ગુનો બની ગયો છે, જ્યાં સારા વ્યવસાયના ઓઠાં હેઠળ ગેરકાયદે વ્યવહારો કરીને કાયદાની આંખમાં ધૂળ ઝોંકવામાં આવે છે. આવા તો ઘણા કિસ્સા જોવા મળે છે. ઘણા ધાર્મિક અથવા આધ્યાત્મિક માર્ગદર્શકો પણ તપાસ હેઠળ આવ્યાં છે. અદ્ભૂત શક્તિઓ દ્વારા લોકોના દુઃખદર્દ મટાડવાનો દાવો કરનારા ઘણા આધ્યાત્મિક હીલર્સે તેમના છળનો શિકાર બનેલા લોકો પાસેથી મોટી રકમો પડાવી છે.
૭૧ વર્ષીય સૈયદ આબિદી અને તેના ૩૮ વર્ષીય પુત્ર જમશેદ આબિદીએ પેડિંગ્ટનસ્થિત તેમની કરન્સી એક્સચેન્જ શોપ યુરો વન કરન્સી મારફત ડ્રગ માંધાતાની એક મિલિયન પાઉન્ડથી વધુ રકમ ચોખ્ખી કરી આપી હોવાનું કહેવાય છે. બનાવટી ગ્રાહકોના નામે તેઓ મોટી રકમોની હેરાફેરી કરતા હતા. ઈન્વેસ્ટિગેટરોએ જાસૂસી કેમેરા સહિતના સાધનો દ્વારા મેળવેલી માહિતીના આધારે પિતા-પુત્રને પકડી શકાયા હતા. આલ્બેનિયન ડ્રગ્સ ગેન્ગ સાથે સંકળાયેલા કોકેઈન બેરન ફ્લોરિઆન કોક્શાએ જૂન ૨૦૧૧થી મે ૨૦૧૨ના ગાળામાં ડ્રગ્સની હેરાફેરીની કમાણીને ચોખ્ખી કરાવી હોવાનું કેમેરાના ફૂટેજમાં જોવાં મળ્યુ હતું. સધર્ક ક્રાઉન કોર્ટે જમશેદ આબિદીને સાત વર્ષ, તેના પિતાને ૩૦ મહિના અને કોક્શોને ૧૦ વર્ષ જેલની સજા ફરમાવી હતી.
ભોળા લોકો સાથે છેતરપિંડીના અન્ય કિસ્સામાં ઠગ અમ્માર હૈદરે ડેટિંગ સાઈટ પર પોતાને ટ્રેઈની પાઈલોટ ગણાવી મહિલાઓ પાસેથી નાણા મેળવવા જૂઠાણું આચર્યું હતું. પિતા અને બહેન ગંભીર બીમાર હોવાનું જણાવી સારવાર માટેના નાણા તેણે ત્રણ મહિલા પાસેથી £૧૨૦,૦૦૦ જેટલી રકમ ખંખેર્યા હતા. બર્મિંગહામ કોર્ટે તેને જેલની સજા ફરમાવી હતી.
કૌભાંડ આચરતાં કે ભોળા લોકોને છેતરતાં અનેક લોકો તમને દરેક સ્થળે મળી આવશે. કેટલાંક ઠગો લાજશરમ વિનાના અપરાધીઓ જ હોય છે તો કેટલાક સારા હોવાના મુખોટા સાથે લોકોને છેતરતાં રહે છે. ઘણા ધાર્મિક અથવા આધ્યાત્મિક માર્ગદર્શકો પણ તપાસ હેઠળ આવ્યાં છે. અદ્ભૂત શક્તિઓ દ્વારા લોકોના દુઃખદર્દ મટાડવાનો દાવો કરનારા ઘણા આધ્યાત્મિક હીલર્સે તેમના છળનો શિકાર બનેલા લોકો પાસેથી મોટી રકમો પડાવી છે. આ બિચારાં લોકો તો કહેવાતા ‘આધ્યાત્મિક પ્રતિનિધિઓ’નો પ્રત્યેક શબ્દ ઈશ્વરનો જ હોવાનું માનતા હતા.
આ જ ચોક્કસ કારણસર ગુજરાત સમાચાર/ એશિયન વોઈસ દ્વારા સ્પિરિચ્યુઅલ હીલર્સના વિજ્ઞાપનો સ્વીકારાતા નથી કે બોગસ સંસ્થાઓને પ્રોત્સાહન અપાતું નથી. એક વાતનો સાચી જ છે કે ઘણા ક્ષેત્રો, ધર્મ અને દેશોની માફક તમને સારા અને ખરાબ લોકો મળતાં જ હોય છે. પરંતુ લોકોનો વિશ્વાસ ઉઠી જાય અને તેમને કંગાળ કે અસમર્થ બનાવી દેવાયાં હોય તેવા સંખ્યાબંધ નકારાત્મક ઉદાહરણો જોવા મળે છે. આથી જ, અમે સ્પિરિચ્યુઅલ હીલર્સ, કાળા જાદુના જાણકારો અથવા આવી ઠગાઈને પ્રોત્સાહન આપતા નથી, તેમની જાહેરાતો કરતા નથી તે અમારી જાતને તેમની સાથે સાંકળતા નથી.