લંડનઃ યુકેમાં વસતા ભારતીયોએ બ્રિટિશ સરકારને તેની વર્તમાન વિઝા નીતિની સમીક્ષા કરવા અપીલ કરી છે. તેમની માગ છે કે સ્ટાર્મર સરકાર વિઝા ફી, વિઝા પ્રક્રિયાની સમયમર્યાદા અને ભારતીય નાગરિકો માટે પારિવારિક જોડાણ મામલે વિઝા નીતિની સમીક્ષા કરે નહીંતર ભારત અને યુકે વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને નુકસાન થઇ શકે છે.
રીડિંગના રહેવાસી વિક્રમ દુહાને જણાવ્યું હતું કે, આકરા વિઝા નિયમો ભારત અને યુકે વચ્ચેના સંબંધો માટે પડકારરૂપ બની રહ્યાં છે. જો પોસ્ટ સ્ટડી વર્ક પરમિટના વિકલ્પો મર્યાદિત રહેશે તો બ્રિટિશ યુનિવર્સિટીઓ અને સ્થાનિક અર્થતંત્રમાં બિલિયનો પાઉન્ડનું યોગદાન આપતા ભારતીય વિદ્યાર્થીઓ અન્ય દેશો તરફ મીટ માંડશે જે યુકેની ગ્લોબલ એજ્યુકેશન અપીલને નબળી બનાવી શકે છે. હેલ્થકેર અને આઇટી જેવા સેક્ટરોમાં પણ ભારતીય પ્રોફેશનલ્સ મહત્વની ભુમિકા ભજવી રહ્યાં છે.
હૌન્સલોના ગુરમિન્દર રંધાવાએ જણાવ્યું હતું કે, ભારતીયો પર વિઝા નિયંત્રણોના કારણે કર્મચારીઓની અછતની સાથે સાથે જાહેર સેવાઓ પર પણ અસર પડી રહી છે. અમે ન્યાયી વિઝા સિસ્ટમની માગ કરી રહ્યાં છીએ. વિઝા ફી ઓછી હોવી જોઇએ, વિઝા પ્રક્રિયા ઝડપી બનવી જોઇએ અને ગ્રેજ્યુએટને યુકેમાં કામ કરવાની પરવાનગી મળવી જોઇએ. અમે ફેમિલી યુનિફિકેશનને મહત્વ આપવાની પણ માગ કરી રહ્યાં છીએ.
ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ યુકેના પ્રમુખ કમલ ધાલિવાલે જણાવ્યું હતું કે, અમે ફક્ત વિઝા ફી અને પેપર વર્કની વાત કરી રહ્યાં નથી. આ એજ્યુકેશન, ટ્રેડ અને બંને દેશ વચ્ચેના વિશ્વાસનો મામલો છે. ભારત યુકેનો ગાઢ ભાગીદાર દેશ છે. બ્રિટિશ અર્થતંત્રમાં તેનું યોગદાન અત્યંત મહત્વનું છે. નિયંત્રિત વિઝા નીતિઓ ઐતિહાસિક સંબંધોને નુકસાન કરી રહી છે.


