વર્ષ 2022માં સ્કેમ અને ફ્રોડમાં લોકોએ 1.2 બિલિયન પાઉન્ડ ગુમાવ્યાં

યુકેમાં દર એક મિનિટે 2300 પાઉન્ડની છેતરપિંડી આચરાય છે...

Tuesday 16th May 2023 11:50 EDT
 
 

લંડનઃ બેન્ક ઇન્ડસ્ટ્રી ગ્રુપ યુકે ફાઇનાન્સના રિપોર્ટ અનુસાર વર્ષ 2022માં યુકેમાં લોકોએ સ્કેમ અને ફ્રોડમાં 1.2 બિલિયન પાઉન્ડ ગુમાવ્યા હતા. તેનો અર્થ એ થયો કે યુકેમાં દર એક મિનિટે 2300 પાઉન્ડની છેતરપિંડી થઇ રહી છે.યુકે ફાઇનાન્સે જણાવ્યું હતું કે, 2022માં 3 મિલિયન ફ્રોડ આચરાયાં હતાં. આ પ્રકારના ફ્રોડનું વળતર કાયમ અપાતું નથી. તેથી ટેક કંપનીઓએ કિંમત વસૂલવા માટેના બોજાના વહનમાં હિસ્સેદારી કરવી જોઇએ.

બીજીતરફ સરકાર એમ કહી રહી છે કે અમે લોકો સાથે થતા ફ્રોડને અટકાવવા નેશનલ સ્ટ્રેટેજી અંતર્ગત આકરાં પગલાં લઇશું. યુકેમાં હવે ફ્રોડની ઘટનાઓ સામાન્ય બની ગઇ છે. દેશમાં દર 15માંથી 1 વ્યક્તિ ફ્રોડનો ભોગ બની ચૂક્યો છે. જોકે યુકે ફાઇનાન્સના જણાવ્યા અનુસાર 2021ની સરખામણીમાં વર્ષ 2022માં ફ્રોડની રકમમાં 8 ટકાનો અને કેસમાં 4 ટકાનો ઘટાડો નોંધાયો હતો. સૌથી કોમન ફ્રોડ કાર્ડ ફ્રોડ છે જેમાં ખરીદી દરમિયાન ફ્રોડ કરાતું હોય છે. રોમાન્સ ફ્રોડના કિસ્સામાં પણ વધારો થયો છે જેમાં સ્કેમર પીડિતને પ્રેમની જાળમાં ફસાવીને નાણા પડાવે છે. ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં રોકાણમાં લાભોની જાળમાં ફસાવીને પબ્લિકને છેતરવામાં આવે છે.

યુકે ફાઇનાન્સના વડા ડેવિડ પોસ્ટિંગ કહે છે કે, મોટા ભાગના ફ્રોડમાં ડ્રગ ગેંગ, ક્રિમિનલ ગ્રુપ અને સ્ટેટ સ્પોન્સર્ડ બેડ એક્ટર્સ જવાબદાર હોય છે. બેન્કો દ્વારા પીડિતોને વળતર ચૂકવવામાં આવે છે પરંતુ સ્કેમના નાણા પાછા મેળવવાના હોતા નથી. મોટા ભાગના ફ્રોડ ઓનલાઇન થતા હોય છે તેથી ફ્રોડની રકમ માટે અપાતા વળતરનો બોજો ટેક કંપનીઓએ પણ ઉઠાવવો જોઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter