લંડનઃ 2024માં વિદેશી કામદારોને જારી કરાયેલા વર્ક વિઝામાં મોટો ઘટાડો થયો છે પરંતુ તેની સામે રાજ્યાશ્રય માટેની અરજીઓ રેકોર્ડ સ્તરે પહોંચી છે. હોમ ઓફિસના આંકડા અનુસાર 2024માં 1,08,138 વિદેશીઓ દ્વારા બ્રિટનમાં રાજ્યાશ્રય માટે અરજી કરાઇ હતી જે વર્ષ 2001 પછી 12 મહિનાનો સૌથી મોટો આંકડો છે.
બીજીતરફ જારી કરાયેલા વર્ક વિઝાની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. વિશેષ કરીને એનએચએસ અને સોશિયલ કેર સેક્ટરમાં વર્ક વિઝાની સંખ્યા ઘટી છે. 2024માં 27,000 હેલ્થ અને કેર વર્કર વિઝા જારી કરાયા હતા જે વર્ષ 2023ની સરખામણીમાં 81 ટકાનો ઘટાડો દર્શાવે છે.
2024માં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ માટેના 3,93,000 સ્પોન્સર્ડ સ્ટડી વિઝા જારી કરાયાં હતાં. જે 2023ની સરખામણીમાં 14 ટકાનો ઘટાડો દર્શાવે છે.
વર્ષ 2023માં રાજ્યાશ્રય માટે 91,811 અરજી મળી હતી. આમ 2024માં રાજ્યાશ્રય માટેની અરજીઓમાં 18 ટકાનો વધારો થયો હતો. વર્ષ 2022માં રેકોર્ડ 1,03,081 અરજી રાજ્યાશ્રય માટે મળી હતી. જેમાં ઇંગ્લિશ ચેનલ પાર કરીને આવેલા વિદેશી નાગરિકોની અરજી 32 ટકા હતી.
રાજ્યાશ્રયની માગ કરનારામાં સૌથી વધુ પાકિસ્તાની
રાજ્યાશ્રય માટેની અરજી કરનારામાં સૌથી વધુ પાકિસ્તાનીનો સમાવેશ થાય છે. 2024માં 10,542 પાકિસ્તાની નાગરિકોએ બ્રિટનમાં રાજ્યાશ્રય માટે અરજી કરી હતી. વર્ષ 2023માં 5,904 પાકિસ્તાની નાગરિકની અરજી પ્રાપ્ત થઇ હતી. પાકિસ્તાની બાદ વિયેટનામી નાગરિકો 5,259 અરજી સાથે બીજા ક્રમે રહ્યાં હતાં.
વર્ષ 2024માં ઇમિગ્રેશનની સ્થિતિ
1,08,138 રાજ્યાશ્રય માટે અરજી
27,000 હેલ્થ એન્ડ કેર વર્ક વિઝા
3,93,000 સ્પોન્સર્ડ સ્ટડી વિઝા


