વર્ષ 2100 સુધીમાં લંડન સહિત બ્રિટનના ઘણા શહેરો દરિયામાં સમાઇ જશે

મિડલેન્ડ, હેમ્પશાયર, એસેક્સ, સસેક્સ અને કેન્ટના વિસ્તારો પર ગંભીર જોખમ

Wednesday 23rd November 2022 05:21 EST
 
 

લંડન

આગામી સદીમાં વિશ્વના તાપમાનમાં 3 ડિગ્રી સેન્ટિગ્રેડ સુધીનો સંભવિત વધારો કરોડો બ્રિટનવાસીઓ માટે મોટી ક્લાઇમેટ ચેન્જ હોનારત પૂરવાર થશે તેવી ચેતવણી નિષ્ણાતો દ્વારા આપવામાં આવી છે. નિષ્ણાતો દ્વારા 2100ની સાલમાં બ્રિટન કેવો હશે તેના સંભવિત નક્શા જારી કરાયા છે જેમાં ઘણા શહેરો અને નગરો દરિયાના પાણીમાં ગરકાવ થયેલા જોઇ શકાય છે.

આગામી 80 વર્ષમાં દરિયાની સપાટી વધવાના કારણે લંડનનો મોટો હિસ્સો પાણીમાં ગરકાવ થઇ જશે. પૃથ્વીના તાપમાનમાં બે ડિગ્રીનો પણ વધારો થશે તો સેન્ટ્રલ લંડનના ઘણા હિસ્સા દરિયાના પાણીમાં ડૂબી જશે. બ્રિટનના દરિયા કિનારા પર આવેલા ઘણા શહેરોના વિસ્તારો માનવ વસવાટ માટે નકામા બની જશે. હલ સહિતના હમ્બરના ઘણા વિસ્તારો પર દરિયાના પાણી ફરી વળશે. મિડલેન્ડનો મોટો હિસ્સો પણ દરિયામાં ગરકાવ થશે. જો હાલના દરે દરિયાની સપાટીમાં વધારો થતો રહેશે તો આગામી સદીના પ્રારંભે દેશના ઘણા હિસ્સામાં મોટી સમસ્યાઓ સર્જાઇ શકે છે.

ક્લાઇમેટ ચેન્જના કારણે હેમ્પશાયર, એસેક્સ, સસેક્સ અને કેન્ટના વિસ્તારો પર ગંભીર જોખમ તોળાઇ રહ્યું છે. ફક્ત બ્રિટન પર જ નહીં પરંતુ સમગ્ર યુરોપ પણ આ ત્રાસદિમાંથી બચી શકશે નહીં. બેલ્જિયમ, જર્મની, ઉત્તર ફ્રાન્સ અને નેધરલેન્ડનો અડધો હિસ્સો વર્ષ 2100 સુધીમાં દરિયામાં ગરકાવ થઇ જશે. અમેરિકામાં ન્યૂયોર્ક શહેરના મોટાભાગના વિસ્તારો દરિયાના આગોશમાં સમાઇ જશે.

બોક્સ

દરિયાની સપાટીમાં સરેરાશ 0.14 ઇંચનો દર વર્ષે વધારો

1993થી દરિયાની સપાટીમાં દર વર્ષે સરેરાશ 0.12થી 0.14 ઇંચનો વધારો થઇ રહ્યો છે. આ વધારો સામાન્ય કરતાં બમણો છે. આગામી 30 વર્ષમાં વિશ્વના ઘણા વિસ્તારો દરિયાની સપાટીથી નીચે પહોંચી જશે. એક અભ્યાસ અનુસાર 2050 સુધીમાં દરિયાની સપાટીમાં 30થી 34 સેમીનો વધારો થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter