લંડનઃ લેન્ડ લાઇન ટેલિફોન સેવાઓ બંધ થવાના આરે છે પરંતુ તેના કારણે લાખો લોકોને એકલતાનો સામનો કરવો પડશે. ફોન સેવાઓમાં આવી રહેલા ધરખમ બદલાવોના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે. પરંપરાગત ટેલિફોન લાઇનના સ્થાને હવે ઇન્ટરનેટ આધારિત ડિજિટલ વોઇસ સેવા આ વર્ષના અંત સુધીમાં શરૂ થઇ જશે. જોકે પરિવારોને એમ કહેવામાં આવી રહ્યું છે કે લેન્ડ લાઇન યથાવત રહેશે. બિગ ટેલિકોમ્સે જણાવ્યું છે કે બદલાવના કારણે તેમના ફોનનો ઉપયોગ કરતા લોકોને અસર નહીં પડે.
જોકે ચિંતાનો વિષય છે કે ગ્રામીણ વિસ્તારોમાં ઇન્ટરનેટ સિગ્નલ નબળાં હોવાના કારણે સમસ્યાઓ સર્જાઇ શકે છે. યુવાપેઢી લેન્ડલાઇન ફોનને પસંદ કરતી નથી પરંતુ ઘણા લોકો અને તેમાં પણ વિશેષ કરીને વૃદ્ધોને તેની ખાસ જરૂર રહે છે.
બિગ ટેલિકોમ્સ અને ઇન્ટરનેટ કંપનીઓને સૂચના આપવામાં આવી છે કે દરેક ઘરને સ્ટ્રોંગ કનેક્શન મળે તે સુનિશ્ચિત કરવામાં આવે તેથી નવી ટેકનોલોજીના ઉપયોગમાં તેમને સમસ્યાનો સામનો કરવો પડે નહીં.


