લંડનઃ ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ (OECD)ના તાજા રિપોર્ટ અનુસાર બ્રિટિશરો વર્ષે સરેરાશ ૧૨૦ બોટલ વાઈન અથવા ૪૦૦ પિન્ટ બિયર ગટગટાવી જાય છે. જોકે, વિશ્વના અઠંગ શરાબી લોકોમાં તેમનું સ્થાન ૧૬મું છે અને ફ્રેન્ચ, જર્મન અને સ્પેનિયાર્ડ્સની સરખામણીએ ઘણો ઓછો આલ્કોહોલ-શરાબ પીએ છે. બીજી તરફ, આલ્કોહોલ ચેન્જ યુકે દ્વારા આલ્કોહોલ એડવર્ટાઈઝિંગ ઈન્ડસ્ટ્રી સામે વધુ નિયંત્રણોની માગણી કરાઈ છે.
યુકેના લોકો શરાબપાન માટે મેલી મથરાવટી ધરાવતા હોવાં છતાં, યુરોપના મુખ્ય દેશોની સરખામણીએ બ્રિટિશરો પ્રમાણમાં ઓછું શરાબપાન કરે છે. OECDનો રિપોર્ટ કહે છે કે દરેક બ્રિટિશર દર સપ્તાહે સરેરાશ ૪.૪ પિન્ટ બિયર અથવા વાઈનની ૨.૩ બોટલ ગટગટાવે છે અને વિશ્વના તપાસ હેઠળના ૪૪ ધનવાન દેશોમાં ૧૬મા સ્થાને આવે છે. બ્રિટન પછી બ્રાઝિલ, જાપાન, ચીન અને ૨૧મા ક્રમે યુએસ આવે છે.
તમે માનશો નહિ પરંતુ, ટચુકડો દેશ લેટવિયા શરાબપાનમાં પ્રથમ નંબરે છે જ્યાં પુરુષો અને સ્ત્રીઓ અ..ધધ.. કહેવાય તેમ વર્ષે ૫૧૨ પિન્ટ એટલે કે સપ્તાહમાં લગભગ ૧૦ પિન્ટ શરાબ ઢીંચે છે. બ્રિટનમાં ૩૦ ટકા વયસ્કો મહિનામાં ઓછામાં ઓછું એક વખત શરાબમાં ધૂત થઈ જાય છે.
OECDની શુદ્ધ આલ્કોહોલ પીવાની સરેરાશ વાર્ષિક માત્રા ૮.૭ લિટરની છે જેની સામે બ્રિટનમાં આ પ્રમાણ ૯.૮ લિટરનું જ્યારે અમેરિકનો માટે ૮.૭ લિટર એટલે કે સપ્તાહના ૪ પિન્ટ અથવા વાઈનની ૨.૧ બોટલનું પ્રમાણ છે. બ્રિટિશ સ્ત્રીઓ અને પુરુષો સપ્તાહમાં સરેરાશ ૪.૪ પિન્ટ શરાબ પીએ છે તેની સરખામણીએ ઓસ્ટ્રિયા (૫.૫), ફ્રાન્સ, (૫.૨), રશિયા (૫.૦), આયર્લેન્ડ (૪.૯), જર્મની (૪.૮), પોલેન્ડ (૪.૮), સ્પેન (૪.૭), પોર્ટુગલ (૪.૭ પિન્ટ)નો સાપ્તાહિક વપરાશ છે.
સૌથી વધુ બિયરપ્રેમી મેક્સિકોમાં (તમામ આલ્કોહોલના ૮૭ ટકા) છે જ્યારે ઈટાલીયન્સ વાઈનના પ્રેમી (૬૫ ટકા) છે.