લંડનઃ બ્રિટનમાં વર્ષે મુખ્યત્વે છોકરીઓ સહિત ઓછામાં ઓછાં ૨૨૫,૦૦૦ બાળકો યૌનશોષણનો શિકાર બને છે, પરંતુ આઠમાંથી માત્ર એક કિસ્સાની ફરિયાદ પોલીસ સમક્ષ નોંધાય છે તેમ એક નવા અભ્યાસના તારણો જણાવે છે. ડરી ગયેલા બાળકો બોલતાં નથી. યૌનશોષણના મોટા ભાગના અથવા તો બે તૃતીઆંશ કિસ્સા બાળકોના પરિવાર સાથે જ સંકળાયેલા હોય છે. માર્ચ ૨૦૧૪ સુધીના બે વર્ષમાં પોલીસ અને કાઉન્સિલો દ્વારા યૌનશોષણના આશરે ૫૦,૦૦૦ કેસ નોંધાયા હતા. ઈંગ્લેન્ડના ચિલ્ડ્રન્સ કમિશનર એન લોંગફિલ્ડના દાવા અનુસાર આ સમયગાળામાં ખરેખર ૪૫૦,૦૦૦ બાળકો યૌનશોષણનો શિકાર બન્યા હતા, પરંતુ ૮૫ ટકા બાળકોને હુમલાખોરોથી સલામત રાખી શકાયા ન હતા.
તાજેતરના વર્ષોમાં બ્રિટનમાં બાળ યૌનશોષણના સંખ્યાબંધ કૌભાંડો જાહેર થયાં હતાં, જેમાં પ્રસિદ્ધિ, સંપત્તિ અને પ્રતિષ્ઠાના ઉપયોગ થકી સાત વર્ષ સુધીની નાની વયના જેટલા સેંકડો બાળકોનું યૌનશોષણ કરનારા જીમી સેવાઈલ અને રોલ્ફ હેરિસ જેવા પ્રખ્યાત લોકોનો પણ સમાવેશ થાય છે. બળાત્કારનો શિકાર બનેલા બાળકો ભયથી બોલી શકતા નથી અથવા તેમની ફરિયાદોને નજરઅંદાજ કરવામાં આવે છે. બાળકોનું યૌનશોષણ આશરે નવ વર્ષની વયમાં ઘર, શાળા અથવા અન્યત્ર થાય છે પરંતુ, તેઓ વર્ષો સુધી બોલવાની હિંમત કરતા નથી.
મિસ લોંગફિલ્ડે જણાવ્યું હતું કે બાળકોનું યૌનશોષણ તેમના સમગ્ર જીવન પર નકારાત્મક અસરો જન્માવે છે. અમારું લક્ષ્ય આગામી પાંચ વર્ષમાં પીડિત બાળકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થાય તે જોવાનું છે. મોટા ભાગના કિસ્સામાં પેરન્ટ્સની નજર હેઠળ પરિવારમાં જ વિશ્વાસુ વ્યક્તિઓ દ્વારા યૌનશોષણ થતું રહે છે. બાળકોને સધિયારા અને સંભાળની જરૂર પડે છે, જે તેમને મળતી નથી. બાળકો પણ ઘટનાને ગુપ્ત રાખે છે.