વર્ષે ૩૫,૦૦૦ પાઉન્ડથી ઓછી આવકવાળા વિદેશીઓની હકાલપટ્ટી

Tuesday 15th March 2016 14:53 EDT
 
 

લંડન: બ્રિટનમાં સ્થાનિકો માટે રોજગારની તકો વધારવા અને વિદેશી કામદારોની સંખ્યા ઘટાડવા ૬ એપ્રિલથી અમલી બની રહેલો નિયમ લગભગ ૪૦,૦૦૦ ભારતીય અને બિનયુરોપિયન યુનિયન વ્યાવસાયિકો તથા તેમના પરિવારો માટે આકરો બની રહેશે. નવા નિયમ પ્રમાણે વાર્ષિક ૩૫,૦૦૦ પાઉન્ડથી ઓછી આવક ધરાવતા ભારતીયો અને ઈયુ સિવાયના દેશોના વતની તથા તેમના પરિવારોને દેશનિકાલ કરાશે. ૨૦૧૨માં જાહેર કરાયેલો નિયમ ૨૦૧૧ અને તે પછી બ્રિટન આવેલા વિદેશીઓને લાગુ થશે. જોકે, નર્સીસની અછત હોવાથી તેમને આ નિયમ લાગુ નહિ પડે.

અગાઉ પાંચ વર્ષની સતત નોકરી કરનાર ભારતીય અને ઈયુ સિવાયના લોકો બ્રિટનમાં કાયમી વસવાટ કરી શકતાં હતાં, તેમના પર આવકમર્યાદાનો કોઈ નિયમ લાગુ થતો નહોતો. આ નિયમ લાગુ થતાંની સાથે પાંચ વર્ષની સતત નોકરી અને બ્રિટનમાં કાયમી વસવાટની પરવાનગી વચ્ચેની કડીનો અંત આવી જશે.

બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસમાં નોકરી કરતી ૧,૨૦૦ કરતાં વધુ ભારતીય નર્સોએ પણ આ નિયમને કારણે બ્રિટન છોડવાનો વારો આવ્યો હોત, કારણ કે તેમનો વાર્ષિક પગાર ૩૫,૦૦૦ પાઉન્ડથી ઓછો હોય છે. જોકે, બ્રિટનમાં નર્સોની અછતને કારણે ઓક્ટોબર ૨૦૧૫માં તેમને આ નિયમમાંથી બાકાત કરાઈ હતી.

બ્રિટનમાં સ્ટુડન્ટ વિઝા પર અભ્યાસ કરી રોજગાર મેળવનાર ભારતીય વિદ્યાર્થીઓને શરૂઆતથી વાર્ષિક ૩૫,૦૦૦ પાઉન્ડ પગાર મળતો નથી, તેથી બ્રિટનમાં સ્થાયી થવા અંગે વિચારવું પડશે. મુંબઇની શ્વેતલ શાહ કહે છે કે, ૨૦૧૩માં સ્ટુડન્ટ વિઝા પર બ્રિટન પહોંચ્યા બાદ હવે હું કન્સલ્ટન્ટ તરીકે કામ કરું છું પરંતુ મારી કંપની મને ૩૫,૦૦૦ પાઉન્ડનો પગાર આપવા સક્ષમ નથી. આ સંજોગોમાં અમારી મુશ્કેલી વધી જશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter