વહુની હત્યારી 85 વર્ષીય ભારતીય સાસુને જેલમાંથી મુક્ત કરાશે

જસ્ટિસ સેક્રેટરી રાબના ઉગ્ર વિરોધ છતાં પેરોલ બોર્ડનો નિર્ણય

Wednesday 20th July 2022 06:35 EDT
 
 

લંડન

પોતાની પુત્રવધૂની હત્યા માટે જેલમાં રહેલી 85 વર્ષીય ભારતીય સાસુ ટૂંકસમયમાં જેલમાંથી મુક્ત થઇ જશે. 85 વર્ષીય બચન કૌર અઠવાલે 1998માં તેની 27 વર્ષીય પુત્રવધૂ સુરજિતને ફોસલાવીને ભારત મોકલીને તેની હત્યા કરાવી નાખી હતી. જસ્ટિસ સેક્રેટરી ડોમિનિક રાબે બચન કૌરને જેલમાંથી મુક્ત થતી અટકાવવા કરેલા પ્રયાસોને પણ સફળતા હાંસલ થઇ નથી. બચન કૌરને 2007માં હત્યા માટે દોષી ઠેરવી જેલની સજા કરાઇ ત્યારે તેની ઊંમર 70 વર્ષની હતી. બચન કૌર બ્રિટનમાં હત્યાના આરોપસર જેલની સજા ભોગવી રહેલા સૌથી વૃદ્ધ કેદીઓ પૈકીની એક છે.

ડિમેન્શિયાથી પીડાતી બચન કૌરે આરોગ્યનું કારણ આગળ ધરી જેલમાંથી મુક્ત કરવાની માગ કરી હતી. પેરોલ બોર્ડ દ્વારા તેને લાયસન્સ પર મુક્ત કરવાની મંજૂરી અપાઇ છે. પેરોલ બોર્ડના આ નિર્ણયને ડોમિનિક રાબે પડકાર આપ્યો હતો. રાબે દલીલ કરી હતી કે પેરોલ બોર્ડે બિનજરૂરી રીતે આરોગ્યના મુદ્દાને મહત્વ આપ્યું છે અને જોખમ સંબંધિત પુરાવાને વિચારણામાં લીધાં નથી. બોર્ડ પીડિતોની માહિતી જાહેર ન થાય તે અંગે વિચારણામાં પણ નિષ્ફળ ગયું છે.

બચન કૌર અને હત્યાના સમયે 43 વર્ષીય તેના પુત્ર સુખદેવ અઠવાલને સુરજિતની હત્યા માટે આજીવન કેદ ફટકારવામાં આવી હતી. ડિસેમ્બર 1998માં પોતાની સાસુ સાથે બ્રિટનથી ભારતની મુલાકાતે ગયેલી સુરજિત લાપતા બની હતી. તેને 16 વર્ષની ઉંમરે જ સુખદેવ સાથે બળજબરીથી પરણાવી દેવાઇ હતી. તેની હત્યા કરાઇ હોવાનું મનાય છે પરંતુ તેની લાશ મળી આવી નહોતી. અઠવાલ અને તેનો પરિવાર સુરજિતની સાથે ગુલામ જેવો વ્યવહાર કરતો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter