લંડનઃ ફિલિપ હેમન્ડના ચોમેરથી ટીકાનો ભોગ બનેલા બજેટથી આગામી ૨૦૨૦ પહેલા ચૂંટણી યોજાવાની શક્યતા ધૂંધળી બની હોવાનું મિનિસ્ટરોએ કબૂલ્યું છે. એક મિનિસ્ટરે જણાવ્યું હતું કે નેશનલ ઈન્સ્યુરન્સ કોન્ટ્રીબ્યુશન્સ (NIC)માં કરાયેલો વધારો દર્શાવે છે કે ચાન્સેલર હેમન્ડને દેશમાં હજુ ત્રણ વર્ષ સુધી ચૂંટણી યોજવાની અપેક્ષા નથી.
તાજેતરમાં પૂર્વ ટોરી નેતા હેગે લેબર પાર્ટીની નિષ્ફળતાઓનો લાભ ઉઠાવવા વહેલા ચૂંટણી યોજવાના અનુરોધને સમર્થન આપ્યું હતું. જોકે, સાંસદોએ જણાવ્યું હતું કે ૨૦૧૫ના જનરલ ઈલેક્શનના ચૂંટણી ઢંઢેરામાં NICમાં વધારો નહીં કરવાનું જે વચન અપાયું હતું તેની અવગણના કરવાના હેમન્ડના નિર્ણયનો મતલબ એવો થાય કે તે જાણતા હતા કે નજીકના ભવિષ્યમાં કોઈ ચૂંટણી યોજાવાની નથી.

