લંડનઃ એક નવા અભ્યાસ મુજબ પુસ્તક વાંચનથી મન અને શરીર બંને સમૃદ્ધ થાય છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીના સંશોધકોના જણાવ્યા અનુસાર, આપણે શું અને કેવી રીતે વાંચીએ છીએ તેનાથી કોઈ ફરક નથી પડતો, પરંતુ પુસ્તક વાંચવાની ટેવ શારીરિક સ્વાસ્થ્ય અને સમસ્યાઓ ઉકેલવાની ક્ષમતા સાથે સીધી રીતે જોડાયેલી છે. કોમિક બુક્સથી લઈને નવલકથાઓ કે માહિતીસભર નોન-ફિક્શન પુસ્તકો સુધીના તમામ પ્રકારના વાંચનથી તણાવ ઘટે છે અને ડિમેન્શિયાનું જોખમ ઓછું થાય છે.
અહેવાલ અનુસાર, MRI સ્કેન દર્શાવે છે કે વાંચન મગજની રચનામાં સકારાત્મક ફેરફાર કરી શકે છે અને તેના વિવિધ ભાગો વચ્ચેનું જોડાણ મજબૂત બનાવે છે. નિયમિતપણે પુસ્તકો, વર્તમાનપત્રો કે સામાયિકો વાંચતા વયસ્કોમાં અલ્ઝાઈમર્સ થવાનું જોખમ 33 ટકા જેટલું ઓછું જોવા મળ્યું હતું.
રોજ સવારે મનના વિચારો લખવાથી રચનાત્મકતા વધે છે
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, રોજ સવારે પોતાના વિચારોને કાગળ પર લખવાથી માનસિક સ્પષ્ટતા મળે છે અને રચનાત્મકતામાં સુધારો થઈ શકે છે. આ પ્રક્રિયાને "મોર્નિંગ પેજીસ" તરીકે ઓળખવામાં આવે છે, જેમાં લોકો સવારે ઊઠતાની સાથે જ મનમાં આવતા વિચારોને સતત ત્રણ પાનામાં લખે છે. મોર્નિંગ પેજીસ આપણા ડર, નકારાત્મકતા દૂર કરી મનોદશા સુધારે છે. આપણા મનમાં જે વિચારો ઘર કરી ગયા હોય તેને લખી લેવાથી માનસિક ક્ષોભ કે અણગમો ઘટે છે, જેથી પ્રાથમિકતાઓ નક્કી કરવી, ધ્યાન કેન્દ્રિત કરવું અને નિર્ણયો લેવા સરળ બને છે.

