લંડનઃ જો થોડાં શરાબપાન પછી તમને હેંગઓવરની તકલીફ થાય તો માત્ર તમે જ જવાબદાર નથી. વાઈનમાં ઉત્પાદકોના દાવા કરતા પણ વધુ આલ્કોહોલનું પ્રમાણ હોય છે, જેના પરિણામે શરાબપાન કરનારાનું આરોગ્ય મુશ્કેલીમાં મુકાય છે અને ડ્રાઈવરો પણ મર્યાદા ઓળંગી વધુ શરાબપાન કરે તેવું જોખમ રહે છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા ડેવિસના એકેડેમિક્સ દ્વારા સમગ્ર વિશ્વમાં થઈ વાઈનની ૧૦૦,૦૦૦ બોટલ્સના સેમ્પલ્સનું પરીક્ષણ કરાવાયું હતું.
લગભગ ૬૦ ટકા સેમ્પલ્સમાં આલ્કોહોલનું પ્રમાણ લેબલ પર દર્શાવ્યા કરતા સરેરાશ ૦.૪૨ ટકા વધુ હતું. એવું પણ નથી કે વાઈન ઉત્પાદકો આ વિશે અજાણ છે. ઉત્પાદકોએ સંશોધકો સમક્ષ સ્વીકાર્યું હતું કે આલ્કોહોલની તીવ્રતાની ડ્રિન્કર્સની અપેક્ષા સંતોષવા તેઓ ટકાવારીમાં ફેરફાર કરે છે. લોકો આલ્કોહોલ ઓછો હોવાનું જાણી વાઈન પીએ છે અને ખરેખર તેમના પેટમાં વધુ આલ્કોહોલ જાય છે. બ્રિટિશ ચેરિટી આલ્કોહોલ કન્સર્ન દ્વારા આ પદ્ધતિ અટકાવવા સરકારને હાકલ કરાઈ છે.


