વાઈબ્રન્ટ ગુજરાતમાં મૂડીરોકાણ માટે IPF દ્વારા કાર્યક્રમ યોજાયો

Wednesday 17th October 2018 03:29 EDT
 
 

લંડનઃ ઈન્ડિયન પ્રોફેશનલ ફોરમ (IPF) એ FICCI અને હાઈ કમિશન ઓફ ઈન્ડિયા સાથે સંયુક્તપણે ૧૯મી સપ્ટેમ્બરે ગુજરાતના એક પ્રતિનિધિમંડળની યજમાની કરી હતી અને ‘ઈન્વેસ્ટિંગ ઈન વાઈબ્રન્ટ ગુજરાત’ વિષય પર કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

ગુજરાતના મુખ્ય પ્રધાનના અગ્ર સચિવ અને અગ્ર સચિવ, ઉદ્યોગ શ્રી એમ કે દાસે ગુજરાતના મુખ્ય ઉદ્યોગો અને ખાનગી ક્ષેત્રના પ્રતિનિધિઓ સાથેના આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ સંભાળ્યું હતું. ગુજરાત ડેલિગેશનના અંદાજે ૨૦ સભ્યો સહિત ૧૦૦ પ્રતિનિધિઓએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

તેમાં પ્રેઝન્ટેશન દ્વારા ગુજરાત વિશેની વિવિધ માહિતી રજૂ કરાઈ હતી. ભારતનું અર્થતંત્ર હાલ ૨.૭૮ ટ્રિલિયન યુ એસ ડોલર (૨૦૧૬-૧૭) છે. પરચેઝિંગ પાવર પેરિટી (PPP) દ્વારા ભારત વિશ્વમાં ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર છે. ભારત પાસે વિશ્વમાં ત્રીજા ક્રમે સૌથી મોટો ઈન્વેસ્ટર બેઝ છે. ૨૦૨૫ સુધીમાં ભારતમાં ૪ ટ્રિલિયન યુ એસ ડોલરનો વપરાશ થશે અને તેથી ભારત વિશ્વમાં ત્રીજી સૌથી મોટી કન્ઝ્યુમર ઈકોનોમી બની જશે. ભારત ૨૦૨૦ સુધીમાં ૧૭૫ G વોટ્સની રિન્યુએબલ એનર્જી ઉત્પન્ન કરશે. ૨૦૧૭-૧૮માં ભારતમાં ૪૪.૮ બિલિયન ડોલરનું વિદેશી મૂડીરોકાણ આવ્યું હતું. ગુજરાતમાં ભારતની કુલ વસતિ (૬૦.૪ મિલિયન)ની ૫ ટકા વસતિ છે પરંતુ, ભારતના જીડીપીમાં તેનું ૮ ટકા અને ભારતની નિકાસમાં તેનું ૨૦ ટકા યોગદાન છે. ગુજરાતની ૪૩ ટકા વસતિ શહેરી વિસ્તારોમાં રહે છે. ગુજરાતમાં ૪૮ મોટા બંદરો અને ૧૭ કાર્યરત વિમાની મથકો છે. ગુજરાત એ ભારતનું સૌથી વધુ શહેરીકરણ પામેલું રાજ્ય છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર અને દાહોદ એમ કુલ ૬ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સ છે. ગુજરાત સરકારે ૨૦૧૭-૧૮માં લઘુ ઉદ્યોગોના વિકાસ માટે ૧૨૧ મિલિયન યુએસ ડોલરની ફાળવણી કરી હતી. ગુજરાતમાં આવેલું ગિફ્ટ સિટી બેંકિંગ, ઈન્સ્યુરન્સ અને કેપિટલ માર્કેટ્સના આંતરરાષ્ટ્રીય વ્યવહારો માટે વિશ્વ સ્તરીય માળખાકીય સુવિધા ધરાવતું ભારતનું એક માત્ર હબ છે.

ભારતનો સૌ પ્રથમ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ ગુજરાતમાં છે અને તે બે શહેરો અમદાવાદ અને મુંબઈને સાંકળશે.

ગુજરાતમાં ૧૦૦૦ MW નો વિશ્વનો સૌથી મોટો ઓફ શોર વિન્ડ ફાર્મ પ્રોજેક્ટ આવેલો છે.

એમ કે દાસે ૨૦૧૯માં ૧૮થી ૨૦ જાન્યુઆરી દરમિયાન ગાંધીનગરમાં યોજાનારા વાઈબ્રન્ટ ગુજરાત કાર્યક્રમમાં પધારવા સૌ ડેલિગેટ્સને આમંત્રણ પાઠવ્યું હતું. પ્રેઝન્ટેશન બાદ પ્રતિનિધિઓ અને IPF ના સભ્યો વચ્ચે સંવાદ યોજાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter