અખબારી ધર્મ નિભાવવાની પરંપરા તેમજ આપણા સૌના 'સેવા યજ્ઞ અને જ્ઞાન યજ્ઞ'ની જ્યોતને સદાય જલતી રાખવા કટિબધ્ધ એવા 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા બ્રિટનમાં વસતા આપણા ગુજરાતી, ભારતીય અને એશિયન સમુદાયની સેવા તેમજ કલ્યાણ માટે વિવિધ પ્રવૃત્તીઅો અને કાર્યક્રમોના આયોજન વિતેલા વર્ષ દરમિયાન કરવામાં આવ્યા હતા અને આગામી વર્ષોમાં પણ આવી જ વિવિધ પ્રવૃત્તીઅો અને કાર્યક્રમોનું આયોજન કરવા અમે સૌ કટિબધ્ધ છીએ. આ બધા કાર્યક્રમો અને પ્રવૃત્તીઅોમાં સુજ્ઞ વાચક મિત્રો અને આપણા સમુદાયનો સહકાર નાનો સુનો નથી. અને આજ કારણે તો 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' ભારત બહારના એશિયન પ્રકાશનોમાં સૌથી ટોચનું સ્થાન નિભાવવા સાથે ૨૪,૦૦૦ નકલોનું વિરાટ સર્ક્યુલેશન ધરાવે છે.
'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' પ્રતિ સપ્તાહ લોકપ્રિય સાપ્તાહિકો રજૂ કરવા ઉપરાંત સરેરાશ પ્રતિ મહિને વિિવધ વિષયો પર આધારીત વિશેષાંકો રજૂ કરે છે. જેમાં 'એશિયન હાઉસ એન્ડ હોમ', 'ગ્લોબલ રીચ લીસ્ટ', 'પોલિટીકલ પબ્લિક લાઇફ એવોર્ડ', 'ફાઇનાન્સ બેન્કીંગ ઇન્સ્યુરંશ', 'એશિયન એચિવર્સ એવોર્ડ્ઝ' મુખ્ય છે. આ અગાઉ પણ આપણે વિવિધ વિષયો આધારીત વિશેષાંકો રજૂ કરી ચૂક્યા છીએ. આપણા જ સમુદાયના તેજસ્વી તારલાઅોની સફળતાની સરાહના કરવાના આશય સાથે 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર માસમાં લંડનની પ્રતિષ્ઠીત ગ્રોવનર હાઉસ હોટેલમાં મોટાપાયા પર 'એશિયન એચિવર્સ એવોર્ડ્ઝનું શાનદાર આયોજન કરવામાં આવે છે. છેલ્લા ૧૫ વર્ષથી આપણા સમુદાયના ટોચનું શિખર સર કરનાર અગ્રણીઅોના સન્માન કરવાનો આ કાર્યક્રમ અનેરી લોકપ્રિયતા અને સિમાચિહ્ન સ્થાપી ચૂક્યો છે. તેજ રીતે બ્રિટનની પાર્લામેન્ટ ખાતે આપણે 'પોલિટકલ પબ્લિક લાઇફ એવોર્ડ્ઝ' પણ એનાયત કરીએ છીએ જેમાં બ્રિટનના રાજકારણ, સામાજીક-સેવા ક્ષેત્ર તેમજ સિવિલ સર્વિસીસ સહિત વિવિધ ક્ષેત્રે સેવા અને ફરજના અનેરા માપદંડમાં સફળ થનાર અગ્રણીઅોનું સન્માન કરવામાં આવે છે.
આ ઉપરાંત 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા વિતેલા વર્ષમાં જ આપણા ગુજરાતી અને ભારતીય સમુદાયના લોકો માટે પણ વિવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા. ગત વર્ષે સાઉથ લંડન, લેસ્ટર, માંચેસ્ટર અને પ્રેસ્ટન ખાતે સ્થાનિક સંસ્થાઅોના સુંદર સહકાર થકી આપણે ૮૦ વર્ષ કરતા વધુ વય ધરાવતા આપણા સમુદાયના વડિલોના સન્માન સમારોહનું શાનદાર આયોજન કરવામાં સફળતા મેળવી હતી. ગત વર્ષ દરમિયાન લગભગ ૨૫૦ કરતા વધુ વડિલોનું બહુમાન કરાયું હતું.
વડિલ સન્માન કાર્યક્રમ દરમિયાન અમારા ધ્યાનમાં એક ખૂબ જ મહત્વની વાત આવી હતી કે આપણા વડિલો અને માતાપિતાની સેવા કરતા શ્રવણ જેવા દિકરા-દિકરીઅો અને તેમના પરિવારજનોનું પણ સન્માન થવું જ જોઇએ. આ શુભ આશય સાથે અમે આગામી મહિનાઅોમાં 'શ્રવણ સન્માન' કાર્યક્રમનું પણ આયોજન કરનાર છીએ. જેનાથી અન્ય દિકરા-દિકરીઅોને પણ તેમના માતા-પિતાની સેવા કરવા માટે પ્રેરણા મળે.
આપણા સમુદાયના લોકોના આરોગ્યની સુખાકારી જળવાઇ રહે તે આશયે સંગત સેન્ટર ખાતે તા. ૧ અોગસ્ટ ૨૦૧૫ના રોજ ડાયાબિટીશ ભીતિ નિવારણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડાયાબિટીશથી પિડાતા અને ઝી ટીવી ના 'આઉટ એન્ડ અબાઉટ' કાર્યક્રમના પ્રોડ્યુસર અને પત્રકાર શ્રી ધ્રુવ ગઢવી અને વિખ્યાત કાર્ડીયોલોજીસ્ટ ડો. અસીમ મલ્હોત્રાએ ખૂબજ અગત્યની માહિતી આપી હતી.
'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા ખૂબ જ લોકપ્રિય થયેલા 'આનંદ મેળા'નું શાનદાર આયોજન હેરો લેઝર સેન્ટર, લંડન ખાતે ગત જૂન માસમાં કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સમુદાયના લોકો અને વાચક મિત્રોએ સપિરવાર ભાગ લઇ વિખ્યાત મનોરંજક કાર્યક્રમો અને ખાણીપીણીની મોજ માણી હતી અને ગુજરાત તેમજ ભારતમાં મિલ્કતોમાં રોકાણ અંગેની તકોને પ્રોપર્ટી મેળામાં માહિતી મેળવી હતી.
આજ રીતે GCSE માં ગુજરાતી ભાષાની પરીક્ષા રદ કરવાના બોર્ડના નિર્ણય સામે જાગૃતી આણવા માટે 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા ગુજરાતી શાળાઅોના શિક્ષકો અને સમાજના અગ્રણીઅો સાથે એક બેઠકનું આયોજન સંગમ સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં એમપી બોબ બ્લેકમેન અને જીએલએ સદસ્ય શ્રી નવિનભાઇ શાહે ઉપસ્થિત રહી પોતાના થકી તમામ સાથ સહકાર આપવાની બાંહેધરી આપી હતી.
આપણા તેજસ્વી વિદ્યાર્થીઅો પ્રતિવર્ષ ખૂબજ સુંદર ગ્રેડ મેળવીને વિવિધ યુનિવર્સીટીઅોમાં વિવિધ વિદ્યાશાખાઅોમાં પ્રવેશ મેળવે છે. આવા તેજસ્વી વિદ્યાર્થીઅોને પ્રેરણા મળે તે આશયે 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' પુરસ્કૃત કર્મયોગા ફાઉન્ડેશન દ્વારા આ વર્ષે 'સરસ્વતિ સન્માન' શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત એ લેવલ્સની પરિક્ષાઅોમાં સર્વશ્રેષ્ઠ ગ્રેડ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઅોને ખૂબજ આકર્ષક ઇનામ આપવામાં આવનાર છે અને ટૂંક સમયમાં જ તેમના નામની જાહેરાત કરવામાં આવશે.
'ગુજરાત સમાચાર'ના વાચકોની કોલમ 'તમારી વાત' અને અને 'એશિયન વોઇસ'ના વાચકોના પત્રોની કોલમ 'રીડર્સ વોઇસ'ના પત્રલેખક મિત્રોના સેમિનારનું આયોજન આપણા કાર્યાલય કર્મયોગા હાઉસ, લંડન ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં પત્રલેખક મિત્રોએ આપણા અખબારો 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'ને વધુ કઇ રીતે સારૂ બનાવી શકાય તે અંગે ચર્ચા વિચારણા કરી સૂચનો રજૂ કર્યા હતા.
મિત્રો, દીપાવલિ પર્વે આજે આપ સૌ વાચક મિત્રો સમક્ષ આપણી વિવિધ પ્રવૃત્તી અને કાર્યક્રમોની થોડીક માહિતી રજૂ કરી છે અને આપણી આ પરંપરાને આગળ ધપાવવા માટે આગામી વર્ષમાં વિવિધ પ્રવૃત્તીઅો, કાર્યક્રમો માટે અમને આપ સૌના સલાહ સૂચનની ખાસ જરૂર છે. આપ સૌના સાથ સહકાર અને મંતવ્યોની મદદ થકી આપણે હજુ 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'ને નવા શિખરોની ઉંચાઇ સુધી પહોંચાડવાના છે.
આશા છે કે આપણા સૌના 'સેવા યજ્ઞ અને જ્ઞાન યજ્ઞ'ને વધાવી લઇ આપના મુલ્યવાન સૂચનો અને પ્રસ્તાવ અમને આ શુભ પર્વ દરમિયાન મોકલી આપશો જેથી તેનો ત્વરીત અમલ કરી શકાય.
- કમલ રાવ, ન્યુઝ એડિટર

