લંડનઃ લાયબ્રેરીમાં પુસ્તક વાંચવા લાવ્યા પછી લાંબા સમય સુધી પરત ન કરી શક્યા હોય તે વિશે લોકો શું વિચારતા હશે તેની તો જાણ નથી પરંતુ, એક વાચકને લગભગ બાવન વર્ષ પછી લાયબ્રેરીને પુસ્તક પરત કરવા બબાતે મનમાં એટલું લાગી આવ્યું કે તેણે દંડરુપે ૧૦૦ પાઉન્ડનો ચેક બીડવા સાથે પોતાના કૃત્ય બદલ માફી માગતી નોંધ પણ સામેલ કરી હતી.
સફોકના લોવસ્ટોફ્ટની લાયબ્રેરીમાંથી જિમ હન્ટરનું સાહિત્યિક ટીકાસભર પુસ્તક ‘The Metaphysical Poets’ વાંચવા માટે લઈ જવાયું હતું. આ પુસ્તક પરત કરવાની તારીખ ૨૪ સપ્ટેમ્બર ૧૯૬૭ની હતી. લાયબ્રેરીની મેનેજર જો વિલ્ડેએ કહ્યું હતું કે સાહિત્ય વિવેચનનું પુસ્તક પરત આવવાથી તેને ભારે આશ્ચર્ય થયું હતું. ‘મોટા બાગના લોકો તો પુસ્તક પરત કરવાની દરકાર પણ લેતાં નથી. આ પુસ્તક તો સારી હાલતમાં હતું અને તેને ટુંક સમયમાં જ લાયબ્રેરીની અભરાઈમાં મૂકાશે. લોકો કદાચ નવતર પુસ્તક તરીકે તેને વાંચવા લઈ જાય તેમ પણ બની શકે છે.’ તેમ વિલ્ડેએ કહ્યું હતું.
લાયબ્રેરી મેનેજરે ખુલાસો કર્યો હતો કે વાંચક તેના પેરન્ટ્સ સાથે ટાઉનમાં રહેતો હતો ત્યારે પુસ્તક વાંચવા લઈ ગયો હતો. તાજેતરમાં તેઓ ઘર ખાલી કરતાં હતાં ત્યારે જ આ પુસ્તક તેમના હાથમાં આવ્યું હતું. ૧૯૬૭માં ઓવરડ્યૂ પુસ્તક માટે સપ્તાહનો ત્રણ જૂની પેનીનો દંડ કરાતો હતો. આ પુસ્તક ૨,૬૯૪ સપ્તાહ ઓવરડ્યૂ હોવાથી તેનો કાયદેસરનો દંડ ૩૩.૬૮ પાઉન્ડ (ફૂગાવાની ગણતરી વિના) થઈ શકે. હવે તો પુસ્તક મોડું અપાય તો લાયબ્રેરી રોજના ૧૫ પેન્સનો દંડ ચાર્જ કરે છે પરંતુ, એડલ્ટ બુક માટે તેની મર્યાદા વધુમાં વધુ ૭.૩૫ પાઉન્ડ છે. જોકે, રજિસ્ટર્ડ ચેરિટી લાયબ્રેરી ૧૦૦ પાઉન્ડના દંડનો ચેક સંપૂર્ણપણે સ્વીકારી લેશે.


