લંડનઃ વડાપ્રધાન રિશી સુનાક આગામી સામાન્ય ચૂંટણી પહેલાં મતદારોને રીઝવવા માર્ચમાં રજૂ થનારા બજેટમાં વારસાઇ ટેક્સ નાબૂદ કરવા વિચારી રહ્યાં છે. ચાન્સેલર જેરેમી હન્ટ દ્વારા રજૂ કરાયેલા ઓટમ સ્ટેટમેન્ટમાં વારસાઇ ટેક્સ અંગે કોઇ ઉલ્લેખ કરાયો નહોતો પરંતુ હવે માર્ચમાં રજૂ થનારા બજેટમાં ચાન્સેલર દ્વારા વારસાઇ ટેક્સ અંગે મહત્વની જાહેરાત થાય તેવી અપેક્ષા સેવાઇ રહી છે.
સીનિયર ટોરી નેતાઓએ વડાપ્રધાન રિશી સુનાકને સાહસિક બની વારસાઇ ટેક્સ નાબૂદ કરવા અપીલ કરી છે. 3 પૂર્વ ટોરી કેબિનેટ મંત્રીઓએ માગ કરી છે કે વારસાઇ ટેક્સના મામલે સુનાકે અધકચરા પગલાં લેવા જોઇએ નહીં.
સર ઇયાન ડન્કન સ્મિથ, સર જેકબ રીસ મોગ અને જેવિડ જોન્સે વડાપ્રધાન સુનાક અને ચાન્સેલર જેરેમી હન્ટને માર્ચમાં રજૂ થનારા બજેટમાં વારસાઇ ટેક્સ સંપુર્ણપણે નાબૂદ કરવા અપીલ કરી છે જેથી આગામી સંસદની ચૂંટણીમાં ટોરી પાર્ટીનું ભવિષ્ય સુધારી શકાય.
વારસાઇ ટેક્સ સંપુર્ણપણે નાબૂદ કરવાની સંભાવનાઓ 10 ડાઉનિંગ સ્ટ્રીટે નકારી કાઢ્યા અને ચાન્સેલર હન્ટના ટેક્સમાં થોડા ઘટાડાના સંકેતો બાદ ત્રણેય વરિષ્ઠ નેતાઓ દ્વારા આ સૂચન કરાયું છે. બીજીતરફ ટોરી સાંસદો આવકવેરામાં ઘટાડાને પ્રાથમિકતા આપવાની માગ કરી રહ્યાં છે. તે ઉપરાંત બેક બેન્ચર ટોરી સાંસદો ઇંધણો પરના વેટને નાબૂદ કરવા અને નાના વેપાર ધંધા પરના વેટની આવક મર્યાદામાં વધારો કરવાની પણ માગ કરી રહ્યાં છે.


