વારસાગત લોર્ડની ઉપાધિની પ્રથા નાબૂદ

હાઉસ ઓફ લોર્ડ્સ (હેરિડેટરી પીયર્સ) બિલને સંસદની મંજૂરી, હવે હાઉસ ઓફ લોર્ડ્સમાં હેરિડેટરી પીયર્સની સંખ્યા શૂન્ય થશે, કેટલાંકને આજીવન લોર્ડશિપ અપાશે

Tuesday 17th March 2026 11:44 EDT
 
 

લંડનઃ મે મહિનામાં કિંગની સ્પીચ પહેલાં વારસાગત રીતે અપાતી લોર્ડની ઉપાધિની પ્રથા નાબૂદ થઇ જશે. કેટલાક કન્ઝર્વેટિવ અને ક્રોસ બેન્ચર્સ લોર્ડની ઉપાધિ ગુમાવે તેવી શક્યતા હતી તેથી તેમને આજીવન ઉપાધિ આપવાની સંધિ થતાં વારસાગત રીતે અપાતી લોર્ડની ઉપાધિની પ્રથા હવે બંધ થઇ શકશે.

મંગળવારે સંસદના ઉપલા ગૃહે હાઉસ ઓફ લોર્ડ્સ (હેરિડેટરી પીયર્સ) બિલનો અંતિમ ડ્રાફ્ટ મંજૂર કરી દીધો હતો. આ સાથે જ આ બિલને સંસદના બંને ગૃહની મંજૂરી પ્રાપ્ત થઇ જતાં તેને બંધારણમાં સામેલ કરવાનો માર્ગ મોકળો બન્યો છે.

હાઉસ ઓફ લોર્ડ્સના લીડર એન્જેલા સ્મિથે જણાવ્યું હતું કે, પોતાની ઉપાધિ ગુમાવે તેવા કેટલાક લોર્ડ્સને આજીવન ઉપાધિ આપવાની સરકારની ઓફરનો સ્વીકાર કરીને કન્ઝર્વેટિવ પાર્ટીએ આ બિલનો વિરોધ પડતો મૂક્યો હતો.

વર્ષ 1999થી હાઉસ ઓફ લોર્ડ્સમાં 92 વારસાગત ઉપાધિ પ્રાપ્ત કરનાર લોર્ડ્સ હાઉસમાં હતા અને ખરડા પર મતદાન કરતા હતા. આ બિલ પસાર થઇ જતાં હવે તેમની સંખ્યા શૂન્ય થઇ જશે. જેમને આજીવન લોર્ડશિપ અપાવાની નથી તેઓ હવે હાઉસમાં બેસવાનો અધિકાર ગુમાવી દેશે.

લેડી સ્મિથે જણાવ્યું હતું કે, 25 વર્ષ પહેલાં એવી સહમતિ સધાઇ હતી કે સંસદમાં વારસાગત રીતે કોઇને પ્રતિનિધિત્વનો અધિકાર અપાવો જોઇએ નહીં પરંતુ આ અર્થપૂર્ણ સુધારો છેલ્લા 25 વર્ષથી અટવાઇ ગયો હતો. તેનો રસ્તો કાઢવાની અમારી ફરજ હતી.

લોર્ડ સ્પીકર માઇકલ ફોર્સિથે વારસાગત લોર્ડ્સની સેવાઓ માટે આભાર માનતા જણાવ્યું હતું કે, આ બંધારણીય સુધારા અંગે લોકો કેવા પ્રકારના મંતવ્યો ધરાવે છે તે હું જાણતો નથી પરંતુ મિત્રોને અલવિદા કહેતાં દુઃખ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter