લંડનઃ પિતાની છ લાખ પાઉન્ડની મિલકતમાંથી વારસાઈમાં માત્ર 250 પાઉન્ડ મેળવનારી ગુજરાતી મહિલાએ પોતાના સ્વર્ગસ્થ પિતાનાં વસિયતનામાંને કોર્ટમાં ચેલેન્જ કર્યા બાદ હવે તેને બરાબરનો હિસ્સો પ્રાપ્ત થશે. આ કેસમાં લક્ષ્મીકાંત પટેલ નામના ગુજરાતીએ પોતાના છેલ્લા વિલમાં છ લાખ પાઉન્ડની પ્રોપર્ટી મોટી દીકરી અંજુ પટેલના નામે કરી હતી. જ્યારે દીકરી ભાવનેતા સ્ટુઅર્ટ બ્રાઉન અને દીકરા પિયૂષ પટેલને 250-250 પાઉન્ડ સિવાય એક પૈસો પણ નહોતો અપાયો. અંજુ પટેલનો એવો દાવો હતો કે તેના બે ભાઈ-બહેનને માત્ર પિતાની પ્રોપર્ટીમાં જ રસ હતો તેમ છતાંય તેમણે બંને વચ્ચે 500 પાઉન્ડ કેમ આપ્યા તેની પાછળનું કારણ જણાવતા કોર્ટને એવું કહેવામાં આવ્યું હતું કે લક્ષ્મીકાંત પટેલ એવું કહેતા હતા કે સંતાન તરીકે ભાવનેતા અને પિયૂષ ભલે પોતાની ફરજ અદા કરવામાં નિષ્ફળ રહ્યા હોય પરંતુ પિતા તરીકે હું તેમને નથી ભૂલ્યો.
લક્ષ્મીકાંતનું ફાઈનલ વિલ ઓગસ્ટ 2021ના રોજ બન્યું હતું જેને લંડનની હાઈકોર્ટમાં ચેલેન્જ કરાયું હતું, તેમની નાની દીકરી ભાવનેતાએ પિતાના વિલને શંકાસ્પદ ગણાવતા પોતાની તેમાં જે રીતે બાદબાકી કરવામાં આવી હતી તેને લઈને સવાલ ઉઠાવ્યા હતા. લક્ષ્મીકાંતે પોતાનું અગાઉનું વિલ 2019માં બનાવ્યું હતું જેમાં અંજુને 50 હજાર પાઉન્ડ આપવામાં આવ્યા હતા, જ્યારે મકાનને ત્રણ સંતાનો વચ્ચે સરખા ભાગે વહેંચી દેવામાં આવે અને તેનો એક ટકા હિસ્સો અંજુ દ્વારા ચલાવાતા ચેરિટેબલ ટ્રસ્ટને અપાય તેવું મૃતકે પોતાના વસિયતનામામાં લખ્યું હતું. આ કેસમાં બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ ડેપ્યુટી માસ્ટર જેસન રીબર્ને ભાવનેતાની તરફેણમાં ચુકાદો આપતા 2019ના વિલને માન્ય રાખ્યું હતું તેમજ 2021માં થયેલું વિલ જે સંજોગોમાં તૈયાર થયું હતું તેના પર કોર્ટે આશંકા વ્યક્ત કરી હતી.
કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે વિલ બન્યું ત્યારે લક્ષ્મીકાંત હોસ્પિટલમાં હતા અને ત્યારે કોવિડ પેન્ડેમિકને લીધે કેટલાક રિસ્ટ્રિક્શન્સ અમલમાં હોવાથી જે લોકોના નામ વિલમાં સાક્ષી તરીકે લખવામાં આવ્યા છે તેમણે તે જ વખતે અને એક જ પેનથી વિલમાં સહી કરી હોય તેનો પણ કોઈ પુરાવો નથી રજૂ કરાયો.


