વાર્ષિક 1,25,140 પાઉન્ડથી વધુ આવક ધરાવનારા હવે 45 ટકા આઇટી સ્લેબમાં સામેલ

આવકવેરાના પ્રથમ 3 સ્લેબ 2028 સુધી યથાવત,વેતન વધતાં વધુ ટેક્સ ચૂકવવો પડશે, 45 ટકા સ્લેબમાં સામેલ નવા અઢી લાખ કરદાતાઓને વર્ષે 580 પાઉન્ડ વધારે ચૂકવવા પડશે

Wednesday 23rd November 2022 04:31 EST
 
 

લંડન

ચાન્સેલર જેરેમી હન્ટે ગુરુવારે રજૂ કરેલા મિની બજેટમાં આવકવેરાના પ્રથમ 3 સ્લેબમાં વર્ષ 2028 સુધી કોઇ બદલાવ નહીં કરવાનો અને હાયર ટેક્સ ગણાતા 45 ટકાના સ્લેબમાં આવકની મર્યાદા 1,50,000 પાઉન્ડથી ઘટાડીને 1,25,140 પાઉન્ડ કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. 2021ના સ્પ્રિંગ બજેટમાં તત્કાલિન ચાન્સેલર અને હાલના વડાપ્રધાન રિશી સુનાકે વ્યક્તિગત આવકવેરાના સ્લેબ પર ચાર વર્ષનો સ્થગનાદેશ જાહેર કર્યો હતો. એપ્રિલ 2022થી લાગુ થયેલા આ સ્થગનાદેશના કારણે ઓછી આવક ધરાવતા ઘણા પરિવારો પણ આવકવેરાના દાયરામાં આવી ગયાં હતાં. હવે હન્ટે વધુ બે વર્ષ માટે એટલે કે 2028 સુધી આવકવેરાના પ્રથમ 3 સ્લેબમાં કોઇ બદલાવ નહીં કરવાનો નિર્ણય કરતાં ઘણા નાગરિકો ઉચ્ચ આવકવેરાના દાયરામાં આવી જવાના છે.

જેરેમી હન્ટે 45 ટકાના સ્લેબમાં આવકવેરા મર્યાદા વાર્ષિક 1,50,000 પાઉન્ડથી ઘટાડીને 1,25,140 પાઉન્ડ કરી છે. તેનો અર્થ એ થયો કે 2,50,000 જેટલા નાગરિકો હવે આવકવેરાના ટોચના સ્લેબમાં સામેલ થઇ ગયાં છે. વાર્ષિક 1,50,000 પાઉન્ડની આવક ધરાવતી વ્યક્તિએ હવે દર વર્ષએ સરેરાશ 1,243 પાઉન્ડ આવકવેરા પેટે વધારે ચૂકવવા પડશે.

જેરેમી હન્ટના ઓટોમન સ્ટેટમેન્ટના કારણે મધ્યમ આવક ધરાવતા ઘણા નાગરિકો હવે 40 ટકાના સ્લેબમાં સામેલ થઇ જશે. હન્ટે આવકવેરાના પ્રથમ 3 સ્લેબમાં કોઇ બદલાવ કર્યો નથી તેથી આગામી વર્ષોમાં આવક વધવાની સાથે નાગરિકોએ વધુ આવકવેરો ચૂકવવો પડશે. અર્થશાસ્ત્રીઓની ગણતરી પ્રમાણે વાર્ષિક 60,000 પાઉન્ડના પગારદારે આગામી પાંચ વર્ષમાં આવકવેરા પેટે 14,990 પાઉન્ડ વધારે ચૂકવવાના રહેશે. 45 ટકાના સ્લેબમાં 1,25,140થી વધુ આવક ધરાવતા લોકોને સામેલ કરાતાં અઢી લાખ કરદાતાઓ આ સ્લેબમાં વધી જવાના છે. તેમને આવકવેરા પેટે વર્ષે 580 પાઉન્ડ વધારે ચૂકવવા પડશે.

આવકવેરાના નવા દર

વાર્ષિક આવક – આવકવેરો ટકામાં

00000થી 12570 – 0 ટકા

12571થી 50270 – 20 ટકા

50271થી 1,25,140- 40 ટકા

1,25,141થી વધુ – 45 ટકા


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter