લંડન
બોરિસ જ્હોન્સને રિશી સુનાક સામેની લીડરશિપ રેસમાંથી પાછી પાની કેમ કરી તે અંગે કેટલાક માહિતગાર સૂત્રો દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે જો જ્હોન્સન લીડરશિપની રેસમાં ઉતર્યા હોત તો તેમને પોતાના સંબોધનો અને સંભારણાઓના વેચાણમાંથી થનારી વાર્ષિક 10 મિલિયન પાઉન્ડની આવક ગુમાવવી પડતી. જ્હોન્સન લીડરશિપની રેસમાંથી હટી ગયાં તેની પાછળ આર્થિક કારણો જવાબદાર હતાં. જુલાઇમાં વડાપ્રધાનપદેથી રાજીનામુ આપ્યા પછી જ્હોન્સન એન્ટરટેઇનમેન્ટ અને ટેલેન્ટ એજન્સીઓ સાથે વાટાઘઆટો ચલાવી રહ્યાં હતાં. આ પ્રકારના ભાષણો અને સંભારણાઓના વેચાણ દ્વારા જ્હોન્સન પ્રતિ વર્ષ 20 મિલિયન પાઉન્ડની કમાણી કરે તેવી સંભાવના છે.
કમિટી ઓફ કન્ઝર્વેટિવ બેક બેન્ચર્સના અધ્યક્ષે જણાવ્યું હતું કે, ટોરી લીડરશિપની રેસમાં રિશી સુનાકને પડકાર આપવા માટે બોરિસ જ્હોન્સન પાસે પુરતા પ્રમાણમાં સાંસદોનું સમર્થન હતું . ટોરી પાર્ટીની 1922 કમિટીના ચેરમેન સર ગ્રેહામ બ્રેડીએ જણાવ્યું હતું કે, જ્હોન્સન પાસે પુરતા સાંસદોનું સમર્થન તો હતું પરંતુ તેમને એમ લાગતું હતું કે તેઓ પાર્ટીને એકજૂથ રાખી શક્શે નહીં તેથી તેમણે ઉમેદવારી નહીં નોંધાવવાનો નિર્ણય કર્યો હતો. બોરિસ જ્હોન્સનના સમર્થકો પણ દાવો કરી રહ્યાં હતાં કે તેમની પાસે ઉમેદવારી નોંધાવવા પુરતા પ્રમાણમાં સાંસદોનું સમર્થન છે. સર ગ્રેહામ બ્રેડીએ જણાવ્યું હતું કે, ટોરી લીડરશિપની રેસમાં બે ઉમેદવારોએ પુરતા પ્રમાણમાં સાંસદોનું સમર્થન હાંસલ કરી લીધું હતું અને તેમાંના એકે પોતાની ઉમેદવારી નહીં નોંધાવવાનો નિર્ણય લીધો હતો. બ્રેડીએ જણાવ્યું હતું કે, હું આ વર્ષમાં વિવિધ તબક્કે બોરિસ જ્હોન્સન અને લિઝ ટ્રસને મળ્યો હતો પરંતુ બંનેમાંથી કોઇ તેમની પાર્ટીના બહુમતી સાંસદોનું સમર્થન ધરાવતાં નહોતાં.


