લંડનઃ ઇલેક્ટ્રિક વાહનોમાં થઇ રહેલા વધારાના પગલે સરકારી તિજોરીને ઇંધણો પર મળતી જકાતમાં મોટો ઘટાડો નોંધાઇ રહ્યો છે. આવી સ્થિતિમાં વાહનમાલિકો પાસેથી તેમના વાહને કાપેલા અંતરના હિસાબે ટેક્સની વસૂલાત કરવાનું સૂચન એક થિન્ક ટેન્ક દ્વારા કરાયું છે. સેન્ટર ફોર પોલિસી સ્ટડીઝ દ્વારા યુકેની મોટરિંગ ટેક્સેશન સિસ્ટમમાં પે એઝ યુ ડ્રાઇવ ચાર્જ સામેલ કરવાની સાથે મોટા બદલાવ કરવાની માગ કરાઇ છે. આ અંગેનો નવો રિપોર્ટ સરકારને સોંપી દેવાયો છે.
વાહનચાલકો હવે પેટ્રોલ અને ડીઝલને સ્થાને ઇલેક્ટ્રિક વાહનો તરફ વળી રહ્યાં હોવાથી સરકારની તિજોરીને ઇંધણો પરના ટેક્સમાંથી થતી આવકમાં 25 બિલિયન પાઉન્ડનું મોટું નુકસાન થવાની ચેતવણી થિન્ક ટેન્ક દ્વારા અપાઇ છે. રિપોર્ટમાં પ્રારંભિક સ્તરેઇલેક્ટ્રિક વાહનોપર પ્રતિ માઇલ ટેક્સ લાગુ કરવાની અને ત્યારબાદ તમામ પ્રકારના વાહનોને આ ટેક્સના દાયરામાં આવરી લેવાની ભલામણ કરાઇ છે.
હાલમાં યુકેમાં પ્રતિ લિટર ઇંધણ પર ટેક્સ અને એક્સાઇઝ ડ્યુટીની વસૂલાત કરાય છે. આ પહેલાં પ્રતિ માઇલ ટેક્સની વસૂલાત માટે ટ્રાન્સપોર્ટ સિલેક્ટ કમિટી દ્વારા પણ બે વર્ષ પહેલાં ભલામણ કરાઇ હતી. જોકે દરેક વાહન પાસેથી પ્રતિ માઇલ ટેક્સ વસૂલાત વિવાદાસ્પદ બની શકે છે.


