લંડન
વાહનોની ગતિના મામલામાં લંડન વિશ્વનું સૌથી ધીમું શહેર છે. રાજધાનીના મધ્યભાગમાં કાર દ્વારા 10 કિ.મી.નું અંતર કાપતાં 36 મિનિટ અને 20 સેકન્ડ લાગે છે જે વર્ષ 2021ની સરખામણીમાં બે મિનિટ વધુ છે. 56 દેશનો 389 શહેરોમાં 10 કિમીનું અંતર આના કરતાં ઓછા સમયમાં કાપી શકાય છે. શહેરમાં ટ્રાફિકનું નિયમન કરતા ટ્રાન્સપોર્ટ ફોર લંડને જણાવ્યું છે કે અમે આ મામલામાં શહેરના પરાવિસ્તારો પર કામ કરી રહ્યાં છીએ. તાજેતરની રેલવે અને અન્ય ટ્રાન્સપોર્ટ હડતાળોના કારણે લોકો કાર દ્વારા મુસાફરી કરી રહ્યાં હોવાના કારણે ટ્રાફિક વધુ ગીચ બની રહ્યો છે.
વાહનની ગતિના મામલામાં વિશ્વમાં બીજા સ્થાને ભારતનું બેંગલુરૂ છે. અંહી 10 કિમીનું અંતર 29 મિનિટ અને 10 સેકન્ડમાં કાપી શકાય છે જ્યારે ત્રીજા સ્થાને આયર્લેન્ડના ડબ્લિનમાં 10 કિમીનું અંતર કાપતાં 28 મિનિટ અને 30 સેકન્ડ લાગે છે. ચોથા સ્થાને 27 મિનિટ અને 40 સેકન્ડ સાથે જાપાનનું સાપ્પોરો શહેર છે.
ટ્રાફિકની ગીચતાના મામલમાં ટોચના 50 શહેરોમાં માન્ચેસ્ટર 23 મિનિટ અને 10 સેકન્ડ સાથે 24મા સ્થાને, 22 મિનિટ અને 20 સેકન્ડ સાથે લીવરપુલ 32મા સ્થાને અને 21 મિનિટ 30 સેકન્ડ સાથે એડિનબરો 42મા સ્થાને આવે છે. ટ્રાફિકની ગીચતાના કારણે ઇંધણનો વપરાશ વધુ થતો હોઇ કોસ્ટ ઓફ ડ્રાઇવિંગ વધુ મોંઘી બને છે.


