લંડનઃ શિક્ષણક્ષેત્રમાં વિશ્વસ્તરે નોંધપાત્ર સેવા બદલ વાર્કે ફાઉન્ડેશનના ચીફ એક્ઝીક્યુટીવ વિકાસ પોટાને એસ્ટન યુનિવર્સિટી દ્વારા Dscની માનદ ડિગ્રી એનાયત કરાઈ હતી. પોટા એસ્ટન યુનિવર્સિટીથી જ ગ્રેજ્યુએટ થયા હતા. બર્મિંગહામમાં યોજાયેલા કાર્યક્રમમાં બાર્બરા કેટ્ટલ, પ્રો. કેવિન મોર્લે, સુલતાન ચૌધરી, સંતૃપ્ત મિશ્રા, વિશ્વાસ રાઘવન, શ્રુતિ વાડેરા અને હરેશ વાસવાણી સહિત વિવિધ ક્ષેત્રના નવ અગ્રણીને ડિગ્રી અપાઈ હતી.
પોટા ગ્લોબલ ટીચર પ્રાઈઝના કન્વીનર છે અને એક અઠવાડિયા અગાઉ જ વાર્કે ફાઉન્ડેશને પેલેસ્ટાઈનના અલ-બીરેહની સમીહા ખલિલ સ્કૂલના હનાન અલ હ્રુબને $ ૧ મિલિયનનું ગ્લોબલ ટીચર પ્રાઈઝ આપ્યું હતું. એવોર્ડની પ્રતિભાવમાં વિકાસે જણાવ્યું હતું કે,‘એવોર્ડ મળવાની મને ખુશી છે અને ડેમ જુલિઆ અને એસ્ટન યુનિવર્સિટીની પ્રતિષ્ઠિત સેનેટે મને પસંદ કર્યો તેનું મને ગૌરવ છે.’
વિકાસ પોટા વિશ્વભરના શિક્ષકોની પરિસ્થિતિના મૂલ્યાંકન માટે ગ્લોબલ ટીચર સ્ટેટસ ઈન્ડેક્સ’ના સહઆલેખક પણ છે. ફાઉન્ડેશન દુનિયાના શિક્ષકોની ક્ષમતા સુધારવા અને દુનિયાના કોઈ પણ ખૂણેથી ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી શકાય તેવા પ્રયાસોને પ્રોત્સાહિત કરે છે. વિકાસે આફ્રિકામાં ૨,૫૦,૦૦૦ શિક્ષકોને ટ્રેનિંગ આપવાનું મહત્ત્વાકાંક્ષી અભિયાન શરૂ કર્યું છે. તેઓ ગ્લોબલ એજ્યુકેશન એન્ડ સ્કીલ્સ ફોરમના પણ કન્વીનર છે. તેની બેઠક દર વર્ષે દુબઈમાં મળે છે.
વિકાસ પોટાએ મેળવેલી સિદ્ધિઓ બદલ ૨૦૧૩માં વર્લ્ડ ઈકોનોમિક ફોરમ દ્વારા તેમને ‘યંગ ગ્લોબલ લીડર’થી સન્માનિત કરાયા હતા. આ સન્માન દર વર્ષે દુનિયાની ૪૦થી ઓછી વયની વિશિષ્ટ વ્યક્તિને અપાય છે. અગાઉ આ સન્માન લેરી પેજ, માર્ક ઝુકરબર્ગ અને ડેવિડ કેમરનને અપાયું હતું.


