લંડનઃ મેટ ઓફિસે ‘હીટ હેલ્થ એલર્ટ’ જારી કરી છે, જેમાં ઈંગ્લેન્ડના મોટા ભાગને સાવચેત રહેવાની ચેતવણી આપી છે. તાપમાન એટલું ઊંચુ થવા જઈ રહ્યું છે કે જૂનમાં સૌથી ગરમ દિવસનો રેકોર્ડ નોંધાઇ શકે છે. શુક્રવારે મધ્યરાત્રિથી રવિવારની મધ્યરાત્રિ સુધી ઇંગ્લેન્ડના ભાગોને હીટવેવ આવરી લેશે. ખાસ કરીને શુક્રવાર ખૂબ જ ખરાબ થવાનો છે અને અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ બનવાની ધારણા છે. સાઉથ-ઇસ્ટમાં તાપમાન 34C અને નોર્થ-વેસ્ટમાં 28C સુધી પહોંચી શકે છે. આગાહીકારોએ કહ્યું છે કે ‘અમે 35.6C (96F)ના જૂન યુકેના રેકોર્ડ સ્તર સુધી પહોંચી શકીએ અથવા તેને ઓળંગી શકીએ, જે 1976માં સાઉધમ્પ્ટનના મેફ્લાવર પાર્કમાં રેકોર્ડ કરવામાં આવ્યો હતો.’
બાળકો-વૃદ્ધોની ખાસ કાળજી જરૂરી
આવા ઊંચા તાપમાનનો સામનો કરવા માટે મેટ ઓફિસે લોકોને ખાસ કાળજી લેવાની સલાહ આપતાં જણાવ્યું છે કે ‘નાના બાળકો, વૃદ્ધ અથવા લાંબા સમયથી રોગ ધરાવતા લોકો માટે ગરમ હવામાન ખતરનાક બની શકે છે. આવા લોકોએ ઈંગ્લેન્ડ માટેના હીટવેવ પ્લાનની મુલાકાત લેવી જોઈએ, 111 પર ફોન કરવો જોઈએ અથવા તેમના જીપી સાથે વાત કરવી જોઈએ.’ મેટ ઓફિસે જણાવ્યું હતું કે ‘સ્પેન, પોર્ટુગલ અને ફ્રાન્સમાં ગરમ હવા વધુ ઉત્તર તરફ વહી રહી છે. આ ગરમ દિવસો પછી ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.’


