લંડનઃ વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે પૂર્વ વડાપ્રધાન રિશી સુનાકના પત્ની અક્ષતા મૂર્તિની બ્રિટનના અગ્રણી મ્યુઝિયમ પૈકીના એકના ટ્રસ્ટી તરીકે નિયુક્તિ કરી છે. લંડનના વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમના ટ્રસ્ટી તરીકે અક્ષતાની નિયુક્તિ કરાઇ છે.
ડિપાર્ટમેન્ટ ફોર કલ્ચર, મીડિયા એન્ડ સ્પોર્ટ્સે જણાવ્યું હતું કે, મ્યુઝિયમના ટ્રસ્ટી તરીકે અક્ષતા મૂર્તિ તેમના 10 ડાઉનિંગ સ્ટ્રીટ અને બિઝનેસના અનુભવોથી મહત્વનું યોગદાન આપશે તેવી આશા છે. અક્ષતા એજ્યુકેશન અને ક્રિએટિવિટી માટે ઘણા ઉત્સાહિત છે. તેમના આ ગુણોની યુવાઓ પર સકારાત્મક અસર જોવા મળશે.
તાજેતરમાં જ અક્ષતા મૂર્તિએ તેમના પતિ રિશી સુનાક સાથે મળીને રિચમન્ડ પ્રોજેક્ટની સ્થાપના કરી છે જેમાં ગાણિતિક જ્ઞાન માટે યુવાઓને મદદ કરાશે. અક્ષતા યુકેની વેટરન કોમ્યુનિટીના પણ મહત્વના સમર્થક છે
મ્યુઝિયમના ટ્રસ્ટીએ મ્યુઝિયમની કામગીરીની ચકાસણી અને પ્રોત્સાહિત કરવાનું રહે છે. તેમણે ચેરમેનના રોજિંદા કાર્યમાં પણ મદદ કરવાની રહે છે. અક્ષતા મૂર્તિ હાલના ચેરમેન ટ્રિસ્ટરેમ હન્ટની કામગીરીની સમીક્ષા કરશે. હન્ટ વિદેશોમાંથી લવાયેલી કલાકૃતિઓ પરત કરી દેવાના જોરદાર હિમાયતી છે. આ મ્યુઝિયમમાં ભારતથી બ્રિટન લઇ જવાયેલી ઘણી મહામૂલી કલાકૃતિ છે. ભારત સરકાર લાંબા સમયથી આ કલાકૃતિઓ પરત કરવાની માગ કરી રહી છે.