લંડનઃ લંડનના અગ્રણી મ્યુઝિયમ વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ ખાતે ગયા મહિને સ્કૂલ ટ્રીપમાં ગયેલા કેટલાંક બાળકો સાથે રેસિસ્ટ વ્યવહાર કરાતાં મ્યુઝિયમ દ્વારા તપાસના આદેશ અપાયા છે. મ્યુઝિયમના સ્ટાફ પર કેટલાક બાળકોનું રેસિસ્ટ વર્ગીકરણ કરવાનો આરોપ મૂકાયો છે. બ્રિસ્ટોલ સ્થિત સિટી એકેડમીના શિક્ષકોએ મ્યુઝિયમનો બહિષ્કાર કરવા અપીલ કરી હતી.
વાલીઓએ પણ આરોપ મૂક્યો હતો કે 11 જૂનના આ અનુભવ બાદ અમારા બાળકો પણ ગુસ્સામાં હતા. સેકન્ડરી સ્કૂલના હેડ ટીચરે મ્યુઝિયમ મેનેજમેન્ટ સમક્ષ વિધિવત ફરિયાદ નોંધાવી મુલાકાત કરી હતી અને માફીની માગ કરી હતી.
શિક્ષકોએ આરોપ મૂક્યો હતો કે મ્યુઝિયમનો સ્ટાફ સતત વિદ્યાર્થીઓનો પીછો કરી રહ્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થીઓને બેઝમેન્ટમાં લઇ જવાયાં હતાં અને તેમની જડતી લેવામાં આવી હતી.