લંડનઃ માઈગ્રેશનના વિક્રમજનક સ્તરના કારણે યુકેની વસ્તીમાં ગત ૭૦ વર્ષમાં તીવ્ર વધારો નોંધાયો હોવાનું ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS)ના સત્તાવાર આંકડા જણાવે છે. બ્રિટનમાં માત્ર ૨૦૦૫-૨૦૧૬ના એક દાયકામાં જ વસ્તીમાં ૫૦ લાખનો વધારો થયો હતો. અગાઉ, ૫૦ લાખનો વસ્તીવધારો થયો તેના માટે ૧૯૭૦થી ૨૦૦૫ સુધી ૩૫ વર્ષ લાગી ગયા હતા. ઈંગ્લેન્ડમાં વસ્તીવધારો થયો છે અને ખાસ કરીને લંડનમાં ૧.૩ ટકાના દરે વસ્તી વધી હતી.
ONS અનુસાર જૂન ૨૦૧૬ સુધીના એક વર્ષમાં વસ્તીમાં ૫૩૮,૦૦૦ લોકોનો વધારો થયો હતો, જે ૧૯૪૭ પછી સૌથી મોટો વધારો છે. વર્ષોના વસ્તીવધારા પછી બ્રિટનની વસ્તી હાલ ૬૫,૬૪૮,૦૦૦ના વિક્રમ આંકે પહોંચી છે.
અભ્યાસમાં જણાવાયું હતું કે, સમગ્રતયા વસ્તીવધારા માટે ૩૫.૮ કુદરતી કારણો, જ્યારે ૬૨.૪ ટકા નેટ ઈન્ટરનેશનલ માઈગ્રેશન અને ૧.૮ ટકા જ અન્ય કારણો જવાબદાર છે. નેટ માઈગ્રેશન ૨૦૧૫માં વિક્રમી ૩૩૨,૨૦૦ની સપાટીએ પહોંચ્યું હતું. આ વર્ષમાં ૨૯૯,૨૦૦ લોકો દેશ છોડી ગયાં હતાં, જ્યારે ૬૩૧,૫૦૦ લોકો દેશમાં આવ્યાં હતાં. આ ડેટામાં જન્મમાં વધારો તેમજ મોતમાં ઘટાડાએ પણ નોંધપાત્ર ફાળો આપ્યો છે. મૃત્યુદરમાં ૨.૬ ટકાનો ઘટાડો થયો હતો.

