લંડનઃ વિજય માલ્યા, નીરવ મોદી, લલિત મોદી સહિતના ભાગેડૂ આર્થિક અપરાધીઓના ભારત ખાતે પ્રત્યર્પણનો માર્ગ ખુલી શકે છે. તાજેતરમાં બ્રિટિશ ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસના એક પ્રતિનિધિમંડળે નવી દિલ્હીમાં તિહાર જેલની મુલાકાત લીધી હતી. જેથી યુકેની અદાલતોને ખાતરી કરાવી શકાય કે ભારત ખાતે પ્રત્યર્પિત થનારા અપરાધીઓ તિહાર જેલ ખાતે સુરક્ષિત રહેશે.
બ્રિટિશ પ્રતિનિધિમંડળે તિહાર જેલના હાઇ સિક્યુરિટી વોર્ડની મુલાકાત લઇ ત્યાં રખાયેલા કેદીઓ સાથે વાતચીત કરી હતી. ભારતીય સત્તાવાળાઓએ બ્રિટિશ પ્રતિનિધિમંડળને આશ્વાસન આપ્યું હતું કે, ભારત પરત લવાનાર આર્થિક અપરાધીઓને સુરક્ષિત વાતાવરણમાં રખાશે અને જરૂર જણાશે તો તેમના માટે એક સ્પેશિયલ એન્ક્લેવની રચના કરાશે જ્યાં આ પ્રકારના હાઇ પ્રોફાઇલ કેદીઓ રખાશે.
ભૂતકાળમાં બ્રિટિશ અદાલતો ભારતીય જેલોની સ્થિતિનો હવાલો આપીને ઘણા ભાગેડૂ અપરાધીઓના ભારત ખાતેના પ્રત્યર્પણ સામે વાંધો ઉઠાવી ચૂકી છે. ભારતીય સત્તાવાળાઓએ બ્રિટિશ પ્રતિનિધિમંડળને એવું પણ આશ્વાસન આપ્યું છે કે પ્રત્યર્પિત થનાર અપરાધીની કસ્ટડીમાં ગેરકાયદેસર પૂછપરછ નહીં કરાય.
અત્યારે ભારત દ્વારા વિદેશોને અપરાધીઓના પ્રત્યર્પણ માટે કરાયેલી 178 અરજીઓ પડતર છે. ભારતે યુકે સમક્ષ 20 ભાગેડૂ અપરાધીના પ્રત્યર્પણ માટે અરજી કરેલી છે જેમાં શસ્ત્ર સોદાગરો અને ખાલિસ્તાની સંગઠનો સાથે સંકળાયેલા અપરાધીઓનો સમાવેશ થાય છે. તે ઉપરાંત વિજય માલ્યા અને નીરવ મોદી જેવા હાઇ પ્રોફાઇલ આર્થિક અપરાધીઓ સામેની અરજીઓ પણ સામેલ છે.