લંડનઃ ભારતમાં લોન ફ્રોડનો સામનો કરી રહેલા અને યુકેમાં આશ્રય લઇ રહેલા વિજય માલ્યાની અરજી સાંભળવાનો બોમ્બે હાઇકોર્ટે ઇનકાર કરી દીધો હતો. હાઇકોર્ટે જણાવ્યું હતું કે, જો માલ્યા ભારત પરત આવશે તો જ તેમની અરજીની સુનાવણી કરાશે. માલ્યા ભારતની અદાલત પાસેથી રાહત માગવાની સાથે કાયદાકીય પ્રક્રિયાની અવગણના કરી શકે નહીં. વિદેશમાં રહીને અરજી દાખલ કરવાનો લાભ તેઓ લઇ શક્તા નથી.
વિજય માલ્યા વર્ષ 2016થી યુકેમાં રહે છે. તેમણે બોમ્બે હાઇકોર્ટમાં બે પીટિશન દાખલ કરી હતી. જેમાં તેમને ભાગેડૂ આર્થિક અપરાધી જાહેર કરવાના આદેશને પડકાર અને ભાગેડૂ આર્થિક અપરાધી એક્ટ 2018ની બંધારણીય યોગ્યતા પર સવાલ ઉઠાવ્યા હતા. માલ્યા પર લોન ફ્રોડ અને મની લોન્ડરિંગના આરોપ છે.
મામલાની સુનાવણી 18 ફેબ્રુઆરી પર મુલતવી રાખતા હાઇકોર્ટે માલ્યાને એ સ્પષ્ટ કરવા તક આપી છે કે તેઓ ભારત પરત ફરવા ઇચ્છે છે કે નહીં. આ માટે તેમણે એફિડેવિટ દાખલ કરવી પડશે. જેમાં તેમણે સ્પષ્ટ સમયનો ઉલ્લેખ કરવો પડશે.


