વિજય માલ્યાએ પ્રત્યાર્પણના આદેશ સામે બ્રિટિશ હાઇ કોર્ટમાં અપીલ કરી

Wednesday 20th February 2019 02:23 EST
 
 

લંડનઃ લિકર બેરન વિજય માલ્યાએ હોમ સેક્રેટરી અને વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે મની લોન્ડરિંગ અને કાવતરાના કેસમાં ભારતમાં તેમની સામે થઈ રહેલા આક્ષેપોનો સામનો કરવા પ્રત્યાર્પણ માટે કરેલા આદેશ સામે બ્રિટિશ હાઇ કોર્ટમાં ૧૪ ફેબ્રુઆરીએ અપીલ દાખલ કરી છે. કોર્ટની વહીવટી શાખાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અરજીની સુનાવણી અંગે નિર્ણય આવતાં બે સપ્તાહથી બે મહિનાનો સમય જઈ શકે છે. કોર્ટના વકીલો હવે અરજીનો અભ્યાસ કરશે.

હાઇ કોર્ટની વહીવટી શાખાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ‘વિજય માલ્યાએ અપીલ કરવાની મંજૂરી કરતી અરજી દાખલ કરી છે.’ બીજી તરફ, ૬૩ વર્ષના વિજય માલ્યાએ જણાવ્યું હતું કે, ‘ટિપ્પણી આપવા તેમની પાસે કાંઈ નથી. અગાઉ પણ અપીલ કરવાનો ઇરાદો જાહેર કરી ચૂક્યો છું. હું વધુ વિગતો નથી જાણતો, મારા વકીલો કાર્યવાહી કરી રહ્યા છે.’ માલ્યાનાં પ્રત્યાર્પણ સંબંધે ચીફ મેજિસ્ટ્રેટ એમ્મા અર્બોથ્નોટે ૧૦ ડિસેમ્બરે પોતાનો નિર્ણય હોમ સેક્રેટરી સાજિદ જાવિદને મોકલી આપ્યા પછી જાવિદે ૩ ફેબ્રુઆરીએ પ્રત્યાર્પણનો આદેશ કર્યો હતો, જેની સામે માલ્યાએ અપીલ કરી છે.

માલ્યા ૨૦૦૯માં કિંગફિશરને ઉગારી લેવા બેન્ક કોન્સોર્ટિયમ પાસેથી રૂપિયા ૧૦,૦૦૦ કરોડની લોન લીધા પછી ડિફોલ્ટર જાહેર થયા હતા. તેમણે કિંગફિશરના અધિકારીઓ અને આઈડીબીઆઈ બેન્કના અધિકારીઓ સાથે કાવતરું કરીને લોન ભરપાઈ ના કરવી પડે તેવા ઇરાદા સાથે ધીરાણ મેળવ્યું હતું તેમજ એરલાઇનની નફાકારકતા વિશે ખોટી માહિતી આપીને આઈડીબીઆઈ પાસેથી ધીરાણ મેળવ્યાના આક્ષેપો છે.

મોદી બેન્કોને નાણાં લેવા કેમ કહેતા નથી? : માલ્યા

ભાગેડુ ડિફોલ્ટર વિજય માલ્યાએ ટ્વિટ કરીને સવાલ ઉઠાવ્યો છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી બેન્કોને નાણાં ભરપાઈ કરવાની તેમની દરખાસ્તનો સ્વીકાર કરવા સૂચના કેમ આપતા નથી? વડા પ્રધાનના ભાષણનો ઉલ્લેખ કરી કહ્યું હતું કે,‘મોદીએ વ્યક્તિનો ઉલ્લેખ કર્યા વિના કહ્યું હતું કે વ્યક્તિ ૯,૦૦૦ કરોડ રૂપિયા લઈને ભાગી ગયો. તેમનો ઇશારો મારી તરફ હતો. ઈડી અને મીડિયા મેં મારી સંપત્તિ છુપાવી હોવાના દાવા કરે છે. જો આવું જ હોત તો કોર્ટ સમક્ષ રૂપિયા ૧૪,૦૦૦ કરોડની સંપત્તિની સ્પષ્ટતા શા માટે કરત? જનતાને ગુમરાહ કરવી શરમજનક છે.’ માલ્યાએ કર્ણાટક હાઇકોર્ટ સામે સેટલમેન્ટ દરખાસ્ત મૂકી દેવું ભરપાઈ કરવા ગંભીર પ્રયાસનો દાવો કરી કહ્યું હતું કે કિંગફિશરને ધીરાણ રૂપે અપાયેલી રકમ બેન્ક પરત કેમ નથી લેતી?


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter