વિજય માલ્યાના પ્રત્યર્પણમાં વિલંબ મુદ્દે બ્રિટિશ કાનૂની મુદ્દાઓ જવાબદાર

Saturday 23rd January 2021 10:12 EST
 
 

લંડન, નવી દિલ્હીઃ બંધ થઈ ગયેલી કંપની કિંગફિશર એરલાઈન્સ માટે ભારતીય બેન્કો પાસેથી ૯૦૦૦ કરોડથી વધુ રુપિયાની લોન્સ લઈ યુકે નાસી આવેલા બિઝનેસમેન વિજય માલ્યાના પ્રત્યર્પણમાં વિલંબ મુદ્દે ભારતની સુપ્રીમ કોર્ટે સરકાર પાસેથી જવાબ માગ્યો હતો. સરકારે કોર્ટ સમક્ષ સ્પષ્ટ કર્યું હતું કે તે માલ્યાને ભારત પરત લાવવાના તમામ પ્રયાસ કરતી રહી છે પરંતુ, બ્રિટન દ્વારા કેટલાક કાનૂની મુદ્દાઓના નિરાકરણ બાબતે વિલંબ થઈ રહ્યો છે.

સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓ શ્રી ઉદય યુ. લલિત અને શ્રી અશોક ભૂષણની ખંડપીઠ સમક્ષ સોલિસિટર તુષાર મહેતાએ પ્રત્યર્પણની યથાસ્થિતિ બાબતે રિપોર્ટ દાખલ કરવા થોડો સમય માગ્યો હતો અને વિદેશ મંત્રાલયને મળેલા બ્રિટિશ સરકારના પત્રવ્યવહારને રજૂ કર્યો હતો. વિદેશ મંત્રાલયના અધિકારીના પત્રને રેકોર્ડમાં લીધા પછી સુપ્રીમ કોર્ટે સુનાવણી ૧૫ માર્ચ પર સ્થગિત કરી હતી. વિજય માલ્યા ૨૦૧૬થી બ્રિટનમાં છે અને સ્કોટલેન્ડ યાર્ડ પોલીસ દ્વારા પ્રત્યર્પણ વોરંટના અમલ પછી ૧૮ એપ્રિલ, ૨૦૧૭થી જામીન પર મુક્ત છે.

બ્રિટિશ સરકારે ભારતના વિદેશ મંત્રાલયને જણાવ્યું છે કે ‘માલ્યાનું પ્રત્યર્પણ કરવામાં આવે તે પહેલા કેટલાક કાનૂની મુદ્દાઓ ઉકેલવા આવશ્યક છે. બ્રિટિશ કાયદાઓ અનુસાર આ મુદ્દાઓના નિરાકરણ કરાયા વિના પ્રત્યર્પણ શક્ય નથી. આ મુદ્દો ન્યાયિક હોવાથી તેને જાહેર કરી શકાય તેમ નથી. મુદ્દાના ઉકેલમાં કેટલો સમય લાગશે તે પણ કહી શકાય તેમ નથી. બ્રિટિશ સરકાર તેના ઉકેલ માટે પૂરતા પ્રયાસ કરી રહી છે.’

ભારત સરકાર વિજય માલ્યાના પ્રત્યર્પણ માટે સતત પ્રયાસ કરી રહી છે. નવેમ્બર ૨૦૨૦માં હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ તેમજ ડિસેમ્બર ૨૦૨૦માં ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબ સમક્ષ તેમજ જાન્યુઆરી ૨૦૨૧માં પણ આ મુદ્દો ઉઠાવાયો હતો. આ સમયે પણ બ્રિટનનો જવાબ એકસરખો જ રહ્યો છે.

સુપ્રીમ કોર્ટે નવેમ્બર ૨૦૨૦માં ભાગેડુ બિઝનેસમેન માલ્યાને ભારત લાવવા સંદર્ભે બ્રિટનમાં કાર્યવાહીમાં વિલંબ વિશે ભારત સરકાર પાસેથી સ્ટેટસ રિપોર્ટ માગ્યો હતો. બ્રિટિશ સુપ્રીમ કોર્ટે માલ્યાના પ્રત્યર્પણની કાર્યવાહીને યોગ્ય ઠરાવી તેમજ માલ્યાને આ મામલામાંથી મુક્ત કરવાની વિનંતી નકારી હતી. સુપ્રીમ કોર્ટે માલ્યાની ૨૦૧૭ની પુનર્વિચાર અરજી ફગાવી ૫ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ હાજર થવા આદેશ કર્યો હતો. કોર્ટના આદેશોનો ભંગ કરી પોતાના સંતાનોના બેન્કખાતાઓમાં ૪૦ મિલિયન અમેરિકી ડોલરનું હસ્તાંતરણ કરવાના મુદ્દે કોર્ટ તિરસ્કારનો દોષી ઠરાવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter