ભાગેડુ વિજય માલ્યાને ભારતભેગો કરોઃ બ્રિટિશ કોર્ટનો ચુકાદો

કિંગફિશરના પૂર્વ વડા સામે ફ્રોડ, કાવતરા અને મની લોન્ડરિંગના પ્રાઈમા ફેસી કેસઃ કોઈ કેસ ખોટો જણાતો નથી અને જેલની હાલત સારી હોવાનું જજનું તારણઃ માલ્યા ચુકાદા સામે અપીલ કરી શકશે

Monday 10th December 2018 09:03 EST
 
 

લંડનઃ ભારતીય બેંકો પાસેથી આશરે ૯૦૦૦ કરોડ રુપિયાની લોન્સ લઈ યુકે ફરાર થઈ ગયેલા લિકર કિંગ વિજય માલ્યાને તેની સામેના કેસીસનો ભારતીય કોર્ટમાં સામનો કરવા ભારત મોકલી આપવાનો આદેશ કર્યો છે. વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટના ચીફ મેજિસ્ટ્રેટ એમ્મા આર્બુથ્નોટની કોર્ટે માલ્યાના ભારતને પ્રત્યાર્પણ અંગે ચુકાદો આપ્યો છે કે કિંગફિશર એરલાઈન્સના ૬૨ વર્ષીય પૂર્વ વડા સામે ફ્રોડ, કાવતરા અને મની લોન્ડરિંગના પ્રાઈમા ફેસી કેસ છે. તેમની સામે ખોટા કેસ ઉભા કરાયાની કોઈ નિશાની નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે માલ્યાને રાખવા માટે આર્થર રોડ જેલમાં પૂરતી વ્યવસ્થા છે. સીબીઆઈએ ચુકાદાને આવકાર્યો હતો. માલ્યાના પ્રત્યાર્પણના ચુકાદાને ભારત સરકાર, તપાસકર્તા એજન્સી સીબીઆઈ અને ઈડીની સફળતા તરીકે નિહાળવામાં આવે છે. જોકે, માલ્યા આ ચુકાદા સામે ઉચ્ચ કોર્ટમાં અપીલ કરી શકે છે.

માલ્યા પ્રત્યાર્પણ કેસનો ચુકાદો આપતાં પ્રીસાઈડિંગ જજ આર્બુથ્નોટે જણાવ્યું હતું કે, ‘સમગ્ર પુરાવાને એકસાથે તપાસતા જણાયું છે કે એક કેસ જવાબ મેળવવાને પાત્ર છે. તેમણે જે રીતે લોન્સ આપવામાં આવી અને પછી ઉપયોગ કરાયો તેની પણ આકરી ટીકા કરી હતી. આ ચુકાદો એક વર્ષ લાંબી ચાલેલી હાઈ પ્રોફાઈલ પ્રત્યાર્પણ ટ્રાયલનાં નોંધપાત્ર વળાંક છે. આ કેસ ‘પ્રત્યાર્પણ માટે કોઈ વાંધો નથી’ અને બિઝનેસ ટાયકૂન વિરુદ્ધ ભારતમાં ન્યાયી ખટલો ચાલશે તે પૂરવાર કરવા માટેનો હતો. અન્ય કાનૂની કાર્યવાહીમાં માલ્યા ૧૩ ભારતીય બેન્કો આશરે ૧૧.૪૫ બિલિયન પાઉન્ડ રીકવર કરી શકે તેની તરફેણમાં હાઈ કોર્ટના આદેશ સામેની અપીલ યુકેની કોર્ટ ઓફ અપીલમાં હારી ગયા હતા.

માનવ અધિકારોના ધોરણે ભારતીય જેલોની હાલત ખરાબ હોવાથી માલ્યાનું પ્રત્યાર્પણ નહિ કરવાની દલીલ ફગાવતાં જજે જણાવ્યું હતું કે ‘માલ્યાને જ્યાં રાખવામાં આવનાર છે તે મુંબઈની આર્થર રોડ જેલની ૧૨ નંબરની બરાકનો વીડિયો સારી અને સાચી સ્થિતિનું દર્શન કરાવે છે, જેને તાજેતરમાં જ વ્યવસ્થિત બનાવવામાં આવી છે. તેમને ડાયાબીટિસ અને હૃદયની સમસ્યાઓનો સામનો કરવા અંગત તબીબી સંભાળ પણ મળશે. આ જેલમાં તેમને કોઈ જોખમ હોય તે માનવાને કોઈ કારણ નથી.’ આ  પ્રત્યાર્પણ કેસ હવે સેક્રેટરી ઓફ સ્ટેટ સાજિદ જાવિદને મોકલાશે, જેઓ ચુકાદાના આધારે ઓર્ડર જારી કરશે.

સીબીઆઈ અને ઈડી દ્વારા મૂકાયેલા આરોપોનો સામનો કરવા માલ્યાને ભારત પ્રત્યાર્પણ કરી શકાય કે નહિ તે મુદ્દે વેસ્ટમિન્સ્ટર કોર્ટના ચીફ મેજિસ્ટ્રેટ એમ્મા આર્બુથ્નોટ દ્વારા ચુકાદો જાહેર કરાયો છે. આ ટ્રાયલ ગત વર્ષે ચોથી ડિસેમ્બરે મેજિસ્ટ્રેટ્સ કોર્ટમાં શરુ થઈ હતી. તેના માટે શરુઆતમાં સાત દિવસ ફાળવાયા પછી પણ અનેક સુનાવણીઓ કરવી પડી છે. વિજય માલ્યાના મુખ્ય ધારાશાસ્ત્રી ક્લેર મોન્ટેગોમેરી અને વકીલ માર્ક સમર્સ છે. સીબીઆઈના જોઈન્ટ ડાયરેક્ટર એસ. સાઈ મનોહરના વડપણ હેઠળ સીબીઆઈ અને ઈડીના અધિકારીઓની ટીમ પણ સુનાવણીમાં હાજરી આપવા આવી પહોંચી હતી. માલ્યાની પાસે પ્રત્યાર્પણના નિર્ણયને ૧૪ દિવસમાં પડકારવાનો અધિકાર હશે.

કોર્ટની બહાર રિપોર્ટર્સ સાથે વાતચીત કરતા માલ્યાએ જણાવ્યું હતું કે, જજમેન્ટ ગમે તે આવે, મારી કાનૂની ટીમ તેની સમીક્ષા કરશે અને યોગ્ય કાર્યવાહી કરશે.’ તેણે એમ પણ કહ્યું હતું કે તેનો અને ઓગસ્ટાવેસ્ટલેન્ડના વચેટિયા ક્રિશ્ચિયન માઈકલનો કેસ અલગ છે. સેટલમેન્ટ ઓફર કરતી વેળાએ તેને માઈકલના પ્રત્યાર્પણ વિશે જાણ ન હતી.

માલ્યાએ દલીલ કરી હતી કે તેના વિરૂદ્ધનો મામલો રાજનીતિથી પ્રેરિત છે. તેને એક રુપિયો પણ ઉધાર લીધો નથી. કિંગફિશર એરલાઈન્સે લોન લીધી હતી. વેપારમાં નુકસાનને કારણે લોનની રકમ ખર્ચ થઈ ગઈ. તે માત્ર ગેરંટર હતો અને આ ફ્રોડ નથી. તે દેવાંની ૧૦૦ ટકા રકમ ચુકવવા તૈયાર છે. તેને વર્ષ ૨૦૧૬માં કર્ણાટક હાઈકોર્ટમાં પણ આ ઓફર આપી હતી. હું કોર્ટ સમક્ષ નકામી ઓફર કરી શકું નહિ. તેનું કહેવું છે કે રકમ ચોરીને ભાગી જવાની વાત ખોટી છે. તેને બેંક ડિફોલ્ટનો પોસ્ટર બોય બનાવી દેવાયો છે. તેણે બે કરતા વધુ વર્ષથી બેંકોને નાણા પરત કરવાની ઓફર કરી હતી પરંતુ, કર્ણાટક હાઈ કોર્ટ દ્વારા તેના વિશે હજુ નિર્ણય લેવાયો નથી. તેણે એમ પણ કહ્યું હતું કે તેની પ્રાથમિકતા કિંગફિશર એરલાઈન્સના કર્મચારીઓને નાણા ચુકવવાની છે.

ભારત આવવા અંગે માલ્યાને ડર છે કે રાજનીતિના કારણે નિષ્પક્ષ સુનાવણી નહીં થાય. તેના પર નવા આરોપ પણ લાગી શકે છે. અગાઉ, ભારતીય જેલોની સ્થિતિ સારી ન હોવાના માલ્યાના આક્ષેપો પછી યુકેની કોર્ટે ભારતને જેલનો વીડિયો મંગાવ્યો હતો. ભારતે દુબઈની આર્થર રોડ જેલના બેરેક નંબર ૧૨નો વીડિયો મોકલ્યો હતો જ્યાં માલ્યાને રાખવામાં આવશે. વીડિયો જોયા બાદ યુકેની કોર્ટે સંતોષ વ્યક્ત કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter