વિજય માલ્યાની ધરપકડ અને જામીન પર છૂટકારો

Wednesday 19th April 2017 06:29 EDT
 
 

લંડનઃ લગભગ ૧૩ મહિનાથી ભારત છોડીને લંડનમાં સ્થાયી થયેલા ભાગેડુ લિકર કિંગ અને લોન ડિફોલ્ટર વિજય માલ્યાની લંડનમાં મંગળવારે સવારે ૯ વાગે ધરપકડ કરવામાં આવી હતી. માલ્યાને વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટમાં લવાયા હતા જ્યાં તેમને ૩ કલાકમાં જ જામીન મળી ગયા હતા. બ્રિટિશ સત્તાવાળાએ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ને ધરપકડની માહિતી આપી હતી. માલ્યા પર ભારતની એસબીઆઇ સહિતની અનેક સરકારી બેન્કોનું ૯૦૦૦ કરોડ રૂપિયા (આશરે ૧.૪ બિલિયન ડોલર)નું દેવું છે.

ધરપકડ અગાઉ સ્કોટલેન્ડ યાર્ડ પોલીસે નિવેદન જાહેર કરીને કહ્યું કે પ્રત્યાર્પણના વોરંટ પર ભારતીય બિઝનેસમેન માલ્યાની ધરપકડ કરી લેવાઈ છે. આ અનુરોધ સીબીઆઇ દ્ધારા કરવામાં આવ્યો હતો. ભારત અને બ્રિટન વચ્ચે પ્રત્યાર્પણ સંધિ હોવાથી ભારત દ્વારા આઠ ફેબ્રુઆરીએ ‘નોટ વર્બલ’ મારફત સત્તાવાર વિનંતી કરવામાં આવી હતી. ગત મહિને માલ્યાની પ્રત્યાર્પણ પ્રક્રિયાને આગળ વધારતા બ્રિટિશ સરકારે ભારતની વિનંતીને પ્રમાણિત કરી વધુ કાર્યવાહી માટે ડિસ્ટ્રિક્ટ જજને મોકલી આપી હતી.

યુકેની પ્રત્યાર્પણ પ્રક્રિયામાં જજ દ્વારા એરેસ્ટ વોરન્ટ જારી કરવાનો નિર્ણય લેવાય છે. જો વોરન્ટ જારી કરાય તો વ્યક્તિની ધરપકડ કરી પ્રાથમિક સુનાવણી માટે કોર્ટમાં લવાય છે. આ પછી મુખ્ય સુનાવણી થાય છે તે પછી સેક્રેટરી ઓફ સ્ટેટ દ્વારા આખરી નિર્ણય લેવાય છે.

ભારતમાં વોન્ટેડ માંધાતાઓ યુકેમાં રહેતા હોય તેવા વિજય માલ્યા એક માત્ર નથી. અગાઉ, જેના પ્રત્યાર્પણની માગણી કરાઈ હતી તેમાં લલિત મોદી (નાણાકીય આરોપો), રવિ સંકરન (ઈન્ડિયન નેવી વોરરુમ લીક કેસ), નદીમ સૈફી (ગુલશનકુમાર હત્યા કેસ), અને ટાઈગર હનીફ (ગુજરાત બ્લાસ્ટ્સ કેસ)નો સમાવેશ થાય છે. બ્રિટન સાથે ૧૯૯૨માં પ્રત્યાર્પણ સંધિ થયા પછી એક માત્ર ૨૦૦૨ના ગુજરાત રમખાણોના આરોપી સમીર વિનુભાઈ પટેલની સોંપણી ઓક્ટોબર ૨૦૧૬માં ભારતને કરાઈ છે. ગત વર્ષે લ ઓગસ્ટે ધરપકડ થયા પછી સમીર પટેલે પ્રત્યાર્પણની સંમતિ આપતા આ શક્ય બન્યું હતું.

જોકે, વિજય માલ્યા આવી સંમતિ આપે તેવી કોઈ શક્યતા નથી અને બ્રિટિશ કોર્ટોમાં તે કાયદેસર કેસ લડશે જેના પરિણામે વર્ષો નહિ તો મહિનાઓ અવશ્ય લાગી જશે. ટાઈગર હનીફ એપ્રિલ ૨૦૧૩માં કાનૂની કેસ હારી ગયો હતો અને તેણે હોમ સેક્રેટરીને આખરી અપીલ કરી છે જેના પર નિર્ણય લેવાવાનો બાકી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter