વિજય માલ્યાએ પ્રત્યાર્પણ વિરુદ્ધ અપીલ માટે રિન્યુઅલ અરજી કરી

બ્રિટિશ કંપની ડિઆજીઓના કેસમાં વિલંબની માલ્યાની માગણી હાઈ કોર્ટે ફગાવીઃ ૩૪,૦૦૦ પાઉન્ડનો કાનૂનીખર્ચ ચૂકવવા હુકમ

Wednesday 17th April 2019 02:20 EDT
 
 

લંડનઃ ભારતીય બેંકોના ૯,૦૦૦ કરોડ રૂપિયા લઇ ફરાર થયેલા લિકર કિંગ અને કિંગફિશર એરલાઇન્સના પૂર્વ વડા વિજય માલ્યાએ પ્રત્યાર્પણથી બચવા માટેનો વધુ એક પ્રયત્ન તરીકે પ્રત્યાર્પણ વિરુદ્ધ અપીલ કરવા બાબતે ૧૨ એપ્રિલે યુકે હાઇ કોર્ટમાં રિન્યુઅલ અરજી કરી છે. કોર્ટે તેમની પ્રથમ અરજી આઠ એપ્રિલે ફગાવી દીધી હતી. આ પછી, રિન્યુઅલ અરજી કરવા તેમને પાંચ દિવસનો સમય અપાયો હતો. ટૂંક સમયમાં તેના પર સુનાવણી કરવામાં આવશે. દરમિયાન, માલ્યાને વધુ એક કાનૂની ધક્કો પહોંચ્યો છે. બ્રિટિશ લિકર કંપની ડિઆજીઓ દ્વારા ૪૦ મિલિયન ડોલરના વિવાદમાં કરાયેલા કેસમાં કોર્ટે ૨૩ એપ્રિલે સુનાવણી હાથ ધરવાની અરજી ફગાવવા સાથે ડિઆજીઓને કાનૂની ખર્ચ પેટે અંદાજે ૩૪,૦૦૦ પાઉન્ડ ચુકવવા પણ માલ્યાને આદેશ આપ્યો છે.

વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટની કોર્ટે વિજય માલ્યાના પ્રત્યાર્પણનો આદેશ કર્યા પછી બ્રિટિશ હોમ સેક્રેટરી સાજિદ જાવિદે માલ્યાના પ્રત્યાર્પણ આદેશ પછી ફેબ્રુઆરીમાં હસ્તાક્ષર કર્યા હતાં. આ પછી હાઈ કોર્ટના ન્યાયમૂર્તિ વિલિયમ ડેવિસે પ્રત્યાર્પણના આદેશ વિરુદ્ધ અપીલ કરવાની માલ્યાની પ્રથમ અરજી આઠ એપ્રિલે ફગાવી દીધી હતી. વિજય માલ્યાને રિન્યુઅલ અરજી માટે પાંચ દિવસનો સમય અપાયો હતો. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે હાઈ ર્કોર્ટ માલ્યાની આ અરજી પણ ફગાવશે તો તેને ભારતમાં લોકસભાની ચૂંટણી બાદ ભારતને હવાલે કરી દેવાશે.

ડિઆજીઓ કેસમાં પણ ફટકો પડ્યો

બ્રિટિશ લિકર કંપની ડિઆજીઓએ છ વર્ષ અગાઉ માલ્યાની યુનાઈટેડ લ્પિરિટ્સ કંપની હસ્તગત કરી હતી. હવે તેણે માલ્યા દ્વારા કરારભંગના હિસ્સારુપે તરીકે ૪૦ મિલિયન અમેરિકી ડોલર પરત માગતો દાવો કર્યો છે. આ કેસ નવેમ્બર ૨૦૧૭નો છે અને માલ્યાએ બ્રિટિશ કંપનીના દાવાને પડકાર્યો હતો.

માલ્યાએ આ કેસમાં વિલંબ માટે માગણી કરી હતી જેને યુકે હાઈ કોર્ટના જસ્ટિસ ક્લેર મોલ્ડરે ફગાવી દીધી હતી તેમજ લીગલ કોસ્ટ તરીકે બ્રિટિશ કંપનીને ૩૪,૦૦૦ પાઉન્ડ ચુકવવા પણ માલ્યાને આદેશ આપ્યો છે. હવે આ કેસ સંપૂર્ણ સુનાવણી માટે ૨૩ મેએ યુકે હાઈ કોર્ટની ધ બિઝનેસ એન્ડ પ્રોપર્ટી કોર્ટ્સમાં જશે. આ ઉપરાંત, યુકેની કંપનીએ માલ્યા, તેના પુત્ર સિદ્ધાર્થ અને તેમની સાથે સંકળાયેલી બે કંપનીઓ પાસેથી ૧૪૦ મિલિયન અમેરિકી ડોલરની માગણી પણ કરી છે.

મને બલિનો બકરો બનાવાશે: માલ્યાનો બળાપો

ભાગેડુ વિજય માલ્યાએ આઠ એપ્રિલની અરજીમાં જસ્ટિસ વિલિયમ ડેવિસ સમક્ષ હાઇકોર્ટમાં જણાવ્યું હતું કે જો મારું ભારતમાં પ્રત્યાર્પણ કરવામાં આવશે તો મને બલિનો બકરો બનાવવામાં આવશે .જોકે, કોર્ટે બ્રિટિશ હોમ સેક્રેટરીના ચાર ફેબ્રુઆરીના પ્રત્યાર્પણ આદેશની વિરુદ્ધ અપીલ દાખલ કરવા દેવા માટે કરાયેલી આ દલીલને ફગાવી દીધી હતી. આ સાથે જ શરાબના ઉદ્યોગપતિ પાસે પ્રત્યાર્પણથી બચવાના કાયદાકીય માર્ગો ઓછાં રહી ગયા છે. બ્રિટનની કોર્ટની સુનાવણીમાં ભારતનું પ્રતિનિધિત્ત્વ કરતા ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસમાં પ્રત્યાર્પણ વિભાગના પૂર્વ પ્રમુખ નિક વામોસે જણાવ્યું હતું કે જો તેની મૌખિક રિન્યુઅલ અરજી પણ ફગાવાશે તો પ્રત્યાર્પણનો આદેશ ફાઇનલ થઇ જશે. આ પરિસ્થિતિમાં તેને ૨૮ દિવસમાં ભારત પરત ફરવુ પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter