વિજય માલ્યાને નાદારી કેસમાં કાનૂની ઝાટકો

Wednesday 26th May 2021 05:42 EDT
 
 

લંડનઃ ભાગેડુ લિકર બિઝનેસમેન કારોબારી વિજય માલ્યાને વધુ એક ઝાટકો આપતા લંડન હાઈ કોર્ટે ૧૩ ભારતીય બેન્કોના કોન્સોર્ટિયમની માલ્યાની સંપત્તિ પરનું સિક્યોરિટી કવર હટાવવાની માગણી સ્વીકારી છે. આના પરિણામે, માલ્યાની મિલકતો વેચી બાકી નીકળતી રકમોની વસૂલાતનો માર્ગ મોકળો બન્યો છે. લંડન હાઈ કોર્ટની શાખા ચીફ ઈન્સોલ્વન્સી એન્ડ કંપનીઝ કોર્ટ (ICC)ના જજ માઈકલ બ્રિગ્સે મંગળવાર ૧૮ મેએ ભારતીય બેન્કોના પક્ષમાં ચુકાદો આપતા કહ્યું કે એવી કોઈ જ પબ્લિક પોલિસી નથી કે જે માલ્યાની સંપત્તિને સિક્યોરિટી રાઈટ આપી શકે. માલ્યાની નાદારી મુદ્દે આખરી દલીલો માટે હવે ૨૬ જુલાઇની તારીખ નિર્ધારિત કરાઈ છે.  ​​​​​​​

SBIના વડપણ હેઠળના કોન્સોર્ટિયમે એપ્રિલ મહિનામાં લંડન હાઈ કોર્ટમાં સુનાવણી સમયે ભાગેડુ માલ્યાને નાદાર જાહેર કરાવવા માટે ભરપૂર પ્રયાસો કર્યા હતા. વિજય માલ્યા પર બંધ થયેલી કિંગફિશર એરલાઈન્સ માટે ૯૦૦૦ કરોડ રુપિયાનું બાકી લેણું છે. વિજય માલ્યાએ દાવો કર્યો હતો કે ભારતીય બેન્કો તરફથી દાખલ બેન્કરપ્ટ્સીની અરજી કાનૂની મર્યાદાથી બહાર છે અને ભારતમાં તેમની સંપત્તિની સિક્યોરિટી પર લાગુ થઈ શકે નહિ કારણકે ભારતમાં બેન્કો પાસેના ભારતીય પ્રજાના નાણા પ્રજાના હોવાથી તેમના હિતની વિરુદ્ધ છે. માલ્યાના બેરિસ્ટર ફિલિપ માર્શલે જણાવ્યું હતું કે દેવાંની રકમનો વિવાદ છે અને ભારતમાં ચાલી રહેલી ન્યાયિક કાર્યવાહી યુકેમાં અપાનારા બેન્કરપ્સી આદેશને અવરોધશે.

ભારતીય બેન્કોએ ડિસેમ્બર ૨૦૧૮માં વિજય માલ્યા નાદાર હોવાની કાર્યવાહી આરંભી છે. બેન્કોની દલીલ છે કે માલ્યાની વિશ્વભરની સંપત્તિની તપાસ કરવા બેન્કરપ્સી ટ્રસ્ટીની નિયુક્ત કરવામાં આવે જેથી તેની પાસેથી લેણી નીકળતી રકમો મેળવવાનું સરળ રહે.

બ્રિટનમાં પ્રત્યર્પણ કેસમાં હાર છતાં, વિજય માલ્યાના પ્રત્યર્પણમાં વિલંબ થઈ શકે છે કારણકે રાજ્યાશ્રયની અપીલ પર બ્રિટિશ હોમ ઓફિસ દ્વારા નિર્ણય હજુ લટકે છે. જામીન પર મુક્ત ૬૫ વર્ષીય માલ્યા ભારત જવું ન પડે તેના શક્ય તમામ પ્રયાસ કરી રહ્યા છે. જોકે, કાયદા કાયદાનિષ્ણાતો અનુસાર બ્રિટનમાં તેમની જીતવાની શક્યતા નહીંવત છે. જોકે, માલ્યાએ તમામ માર્ગોનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું હોવાથી તેને બ્રિટનમાં વધુ કેટલાક દિવસ રહેવા મળી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter