વિજય માલ્યાને બે એપ્રિલ સુધી જામીન

Wednesday 17th January 2018 06:43 EST
 
 

લંડનઃ ચોથી ડિસેમ્બરથી ચાલતી પ્રત્યાર્પણ કેસની સુનાવણીમાં બચાવ પક્ષની દલીલો સાંભળ્યા પછી બ્રિટનના જજે વિજય માલ્યાને બે એપ્રિલ સુધી જામીન આપી દીધા છે. કરોડોના કૌભાંડના આરોપી વિજય માલ્યાને ભારતને ક્યારે સોંપવામાં આવશે તેના વિશે ૨૨મી જાન્યુઆરીએ જાહેરાત થાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે ભારતીય બેન્કો પાસેથી આશરે ૯,૦૦૦ કરોડ રુપિયાની લોન્સ મેળવ્યા પછી માલ્યા માર્ચ, ૨૦૧૬થી ભારતમાંથી ભાગી જઇને લંડનમાં વસવાટ કરી રહ્યાં છે. સ્કોટલેન્ડ યાર્ડે એપ્રિલ, ૨૦૧૭માં માલ્યાની ધરપકડ કરી હતી. જોકે, ૬,૫૦,૦૦૦ના બોન્ડ ભર્યા પછી માલ્યાને જામીન મળી ગયા હતાં.

બચાવ પક્ષ પોતાની દલીલો પૂર્ણ ન કરી શકતા આ સુનાવણી અનિર્ણિત રહી હતી. જેના પગલે માલ્યાને બે એપ્રિલ સુધી રાહત મળી છે. આ સુનાવણી અંતિમ હોવાનું મનાતું હતું પરંતુ, તે શક્ય બન્યું નથી. જજે મુંબઇના આર્થર રોડસ્થિત સેન્ટ્રલ જેલના બેરક નં.૧૨માં કુદરતી પ્રકાશ અને મેડિકલ સુવિધા અંગે વધુ સ્પષ્ટીકરણ માગ્યું છે.

બચાવ પક્ષ પોતાની દલીલો પૂર્ણ કરે તે પછી આગામી સુનાવણીમાં ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ( સીપીએસ) પોતાનું વલણ રજૂ કરશે. વધુ સુનાવણીની તારીખ હજુ સુધી નક્કી કરાઈ નથી પરંતુ, આગામી ત્રણ સપ્તાહમાં સુનાવણી થાય તેવી શક્યતા છે. ન્યાયમૂર્તિ એમ્મા અર્બુથનોટ પુરાવાઓની સમીક્ષા કર્યા પછી અંતિમ સુનાવણીની તારીખ નક્કી કરશે. તેઓ માલ્યા સામે કાયદાકીય કાર્યવાહી કરવા ભારત સરકારને સુપ્રત કરવા જોઇએ કે નહિ તે વિશે નિર્ણય લેશે.

ભારત સરકારે રાજ્યકક્ષાના હોમ મિનિસ્ટર કિરણ રિજિજુની તાજેતરની લંડન મુલાકાત દરમિયાન અંડરવર્લ્ડ ડોન ટાઈગર હનીફ, બિઝનેસમેન વિજય માલ્યા અને લલિત મોદી, બૂકી સંજીવ ચાવલા, બાળકના અપહરણ કરનારાં રાજેશ કપૂર અને સીમા કપૂર સહિત ૧૪ મોસ્ટ વોન્ટેડ અપરાધીઓની યાદી ફરીથી યુકેને સુપરત કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter