વિજય માલ્યાને લંડન હાઈ કોર્ટનો આંચકોઃ પ્રત્યાર્પણ આદેશની વિરુદ્ધ અરજી ફગાવી

શુક્રવાર સુધીમાં આ જ કોર્ટ સમક્ષ મૌખિક સુનાવણી માટે ફરી અરજી કરી શકેઃ બ્રિટિશ બેંક ખાતાના £૨.૬૦ લાખ પર ભારતીય બેંકોની નજર

Wednesday 10th April 2019 02:01 EDT
 
 

લંડનઃ લિકર બેરોન અને ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યાના પ્રત્યાર્પણ આદેશ વિરુદ્ધ અપીલની મંજૂરી માગતી અપીલને લંડનની હાઈ કોર્ટે ફગાવી દેતા તેને ભારે આંચકો લાગ્યો છે. તેની કાનૂની ટીમ પાંચ દિવસ એટલે કે શુક્રવાર સુધીમાં આ જ કોર્ટ સમક્ષ મૌખિક સુનાવણી માટે ફરી અરજી કરી શકે છે. જસ્ટિસ વિલિયમ ડેવિસે ગત શુક્રવાર, પાંચ એપ્રિલે જ આ આદેશ પસાર કર્યો હતો અને સંબંધિત પક્ષકારોને મોકલી આપ્યો હતો. ભારતીય બેન્કો સામે ૯૦૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડી અને મની લોન્ડરિંગના આરોપોનો સામનો કરી રહેલા વિજય માલ્યા ભારતમાં વોન્ટેડ છે.

જોકે, અહીં વાતનો અંત આવતો નથી. આ અરજી જજ અને બંન્ને પક્ષકારો દ્વારા દસ્તાવેજોના વિનિમયથી કરવામાં આવી હતી. હવે માલ્યાના વકીલો આ જજ સમક્ષ ટુંકી મૌખિક સુનાવણી માટે પાંચ બિઝનેસ દિવસમાં રીન્યુઅલ અપ્લિકેશન કરી શકે છે. જો આ તબક્કે પણ અરજી નકારાય તો આ કોર્ટમાં અપીલ પ્રોસેસ આગળ વધી શકે નહિ. આ કોર્ટ સિવાય પણ માલ્યા પાસે સુપ્રીમ કોર્ટ અને તે પછી યુરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઈટ્સ સમક્ષ અપીલની તક રહેલી છે. જોકે, મૌખિક સુનાવણીમાં અપીલ ફગાવાય તો તેઓ આગળ અપીલ કરી શકશે નહિ.

બ્રિટિશ બેંક ખાતાના £.૬૦ લાખ પર ભારતીય બેંકોની નજર

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા સહિત અનેક સરકારી બેંકોના ૯,૦૦૦ કરોડ રુપિયા લઇ બ્રિટન ભાગી ગયેલા ઉદ્યોગપતિ વિજય માલ્યાએ બેંકો દ્વારા તેની પાસેથી બાકી રકમ વસૂલવાના પ્રયત્નોને રોકવા માટે કાયદાકીય લડાઇની શરૂઆત કરી દીધી છે. ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાના બ્રિટિશ બેંક ખાતામાં પડેલા ૨,૬૦,૦૦૦ પાઉન્ડ પર તેની કંપનીઓને લોન આપનાર સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા સહિતની ભારતીય બેંકોની નજર છે. માલ્યા આ લોનની રકમ ભરપાઇ કર્યા વગર જ બ્રિટન ભાગી ગયા હતાં.

ચાલુ વર્ષે જાન્યુઆરીમાં ભારતીય બેંકોએ વિજય માલ્યાની વિદેશમાં રહેલી સંપત્તિ જપ્ત કરવા મંજૂરી મેળવી હતી. બંધ થઇ ગયેલી કિંગફિશર એરલાઇન્સના પૂર્વ વડા વિજય માલ્યાના લંડનની આઇસીઆઇસીઆઇ બેંકમાં જમા રકમ પર ભારતીય બેંકોની નજર છે. ગત વર્ષે મે મહિનામાં યુકે હાઈ કોર્ટના જજે માલ્યાની વિશ્વવ્યાપી સંપત્તિ ફ્રીઝ કરવાના આદેશને અમાન્ય ઠરાવવા નકાર્યું હતું તેમજ ૧૩ ભારતીય બેન્કોનો સમૂહ આશરે ૧.૧૪૫ બિલિયન પાઉન્ડની રકમ રીકવર કરવાનો અધિકાર ધરાવતી હોવાના ભારતીય કોર્ટના આદેશને માન્ય રાખ્યો હતો.

ક્વિન્સ બેન્ચ ડિવિઝનલ કોર્ટમાં માસ્ટર ડેવિડ કૂક સમક્ષ થયેલી સુનાવણી દરમિયાન માલ્યાની કાયદાકીય ટીમે આ વચગાળાના આદેશને રદ કરવાની માગ કરી હતી. આ કેસનો અંતિમ ચુકાદો ટૂંક સમયમાં આવશે તેવી શક્યતા છે.

ભારતીય બેંકો વતી કોર્ટમાં હાજર ટીએલટી એલએલપીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઇન્ડિયન ડેટ રિકવરી ટ્રિબ્યુનલના માલ્યા વિરુદ્ધ આદેશનો બ્રિટનમાં અમલ કરાય તેમ ભારતીય બેંકો ઇચ્છે છે. એસબીઆઇ અને અન્ય ૧૨ બેંક બ્રિટનની કોર્ટમાં માલ્યા વિરુદ્ધ લડી રહેલ છે. અન્ય ૧૨ બેંકોમાં બેંક ઓફ બરોડા, કોર્પોરેશન બેંક, ફેડરલ બેંક, આઇડીબીઆઇ બેંક, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, જમ્મુ-કાશ્મીર બેંક, પંજાબ અને સિંધ બેંક, પંજાબ નેશનલ બેંક, સ્ટેટ બેંક ઓફ મૈસૂર, યુકો બેંક, યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા અને જે એમ ફાઇનાન્સિયલ એસેટ રિકસ્ટ્રકશન કંપની પ્રાઇવેટ લિમિટેડનો સમાવેશ થાય છે.

દરમિયાન, એસબીઆઇના વકીલે લંડનની કોર્ટમાં રજૂઆત કરી હતી કે માલ્યાના વકીલે તેમનો અસીલ માસિક ખર્ચ ઘટાડી ૨૯,૫૦૦ પાઉન્ડ એટલે કે ૨૬ લાખ રુપિયા કરવા તૈયાર હોવાનું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને જણાવ્યું છે. હાલમાં માલ્યા દર સપ્તાહે ૧૮,૩૦૦ પાઉન્ડ એટલે કે ૧૬ લાખ રુપિયાનો ખર્ચ કરે છે. એસબીઆઇના વકીલે કોર્ટમાં જણાવ્યું હતું કે માલ્યા હાલમાં ઠાઠથી જીવન પસાર કરે છે. તે કોઇ આર્થિક કટોકટી કે મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યો નથી. તેની સ્થિતિ રસ્તા પર આવી ગયા જેવી નથી. માલ્યા પાસે આવકના અનેક સ્રોત છે. કિંગફિશર બીયર યુરોપ લિમિટેડથી તેને દર મહિને ૭૫૦૦ પાઉન્ડની આવક ઉપરાંત,પરિવારની સંપત્તિમાંથી પણ નિયમિત આવક થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter