વિજય માલ્યાને હાઈ કોર્ટની મોટી રાહતઃ પ્રત્યાર્પણ આદેશ વિરુદ્ધ અરજી સ્વીકારી

Wednesday 03rd July 2019 05:33 EDT
 
 

લંડનઃ ભારતીય બેન્કોના ૯૦૦૦ કરોડ રૂપિયા લઈને ફરાર થઈ ગયેલા ભાગેડુ બિઝનેસમેન અને લિકર બેરન વિજય માલ્યાને યુકે હાઈ કોર્ટ પાસેથી મોટી રાહત મળી છે. લંડનની રોયલ કોર્ટ ઓફ જસ્ટિસે પ્રત્યાર્પણ આદેશ વિરુદ્ધ સામે અપીલ કરવાની માલ્યાને મંજૂરી આપી છે. વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટની કોર્ટ દ્વારા પ્રત્યાર્પણના હોમ સેક્રેટરીના પ્રત્યાર્પણ આદેશ વિરુદ્ધની અરજી ફગાવી દીધી હતી. આ સંદર્ભે માલ્યાએ કોર્ટમાં કેસની મૌખિક સુનાવણી માટે વિનંતી કરી હતી. કોર્ટે સુનાવણી માટે ચાર કલાકનો સમય આપ્યો હતો. હોમ ઓફિસના પ્રત્યાર્પણના હુકમને અટકાવવાની અરજીને મંજૂરી મળવાથી માલ્યાનું પ્રત્યાર્પણ હાલ પૂરતું તો અટકી ગયું છે. જો હાઈ કોર્ટે અરજી ફગાવી હોત તો આગામી ૨૮ દિવસમાં માલ્યાનું ભારતને પ્રત્યાર્પણ કરવાનો આદેશ થઈ શકે તેમ હતું.

ભારતીય બેન્કો પાસેથી ૯,૦૦૦ કરોડથી વધુની લોન લઈ પરત નહિ કરનારા લિકર બેરન વિજય માલ્યાએ લંડનમાં રોયલ કોર્ટ ઓફ જસ્ટિસમાં કરેલી અરજીની સુનાવણી મંગળવાર બીજી જુલાઈએ હાથ ધરવામાં આવી હતી. રોયલ કોર્ટ્સ ઓફ જસ્ટિસની બે સભ્યોની બેન્ચના જસ્ટિસ જ્યોર્જ લેગાટ ને એન્ડ્રયુ પોપલવેલે ચુકાદામાં જણાવ્યું હતું કે,‘ચીફ મેજિસ્ટ્રેટ એમ્મા આર્બુથ્નોટે ડિસેમ્બર ૨૦૧૮ના પ્રત્યાર્પણ આદેશના આપેલા ચુકાદામાં કેટલાક પાસાઓ પર તાર્કિક દલીલો થઈ શકે તેવો પ્રાઈમા ફેસી કેસ છે.’

માલ્યાના કાઉન્સેલ ક્લેર મોન્ટેગોમેરીએ જજ આર્બુથ્નોટના તારણો સામે પ્રશ્ન કરતાં કહ્યું હતું કે માલ્યાના છેતપિંડીના ઈરાદાની ભારત સરકારની દલીલોને સ્વીકારવામાં તેમણે ભૂલ કરી હતી. વકીલે કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે બેન્કોને માલ્યા તેમજ તેની કિંગફિશર એરલાઈન્સની નાણાકીય હાલત વિશે જાણકારી હતી. લોન અપાયેલી રકમ શેના માટે વપરાશે તેની પણ જાણ હતી. વકીલે દલીલ કરી હતી કે વિજય માલ્યાની તરફેણમાં રજૂ કરાયેલા દસ્તાવેજો પર યોગ્ય વિચારણા કરાઈ નથી. જે પણ ડોક્યુમેન્ટ્સ છે, તેમાંથી કોઈ પુરાવા નથી.

હાઈ કોર્ટે અન્ય ચાર મુદ્દા ફગાવ્યા

જજીસે આ ચોક્કસ પાસા મુદ્દે કાઉન્સેલ મોન્ટેગોમેરીની દલીલ સ્વીકારી હતી અને પૂર્ણ સુનાવણીમાં આગળ વધવા અપીલનો ડ્રાફ્ટ રજૂ કરવા જણાવ્યું હતું. સુનાવણીની તારીખો આગામી સપ્તાહમાં નિર્ધારિત કરાશે. જોકે, હાઈ કોર્ટના જજીસે વ્યાપક પ્રમાણના પુરાવાઓ સાથે લાંબી પ્રત્યાર્પણ ટ્રાયલ સમયના કેસના અન્ય પાસાઓના જજ આર્બુથ્નોટના તારણોને સવીકારી લીધાં હતાં. ભારતીય સત્તાવાળાઓ દ્વારા માલ્યાનો રાજકીય કારણોસર પીછો કરાઈ રહ્યો હોવા સહિત અપીલની પરવાનગી મંગાઈ હતી તેવા અન્ય ચાર મુદ્દાઓ ફગાવી દીધા હતા. જજીસે નોંધ્યું હતું કે ભારત સરકાર અને યુકેના હોમ સેક્રેટરીએ આ કેસમાં મૌખિક દલીલો નહિ કરતા લેખિતમાં આગોતરી દલીલો રજૂ કરવાનું પસંદ કર્યું હતુ. માલ્યાના કેસમાં કાઉન્સેલ ક્લેર મોન્ટેગોમેરી અને નિરવ મોદીનો કેસ લડી રહેલા આનંદ દૂબેએ દલીલો કરી હતી. સુનાવણી વખતે ભારતીય હાઈ કમિશનના અધિકારીઓ કોર્ટમાં હાજર રહ્યા હતા.

માલ્યાએ કહ્યુઃ ન્યાયનો વિજય થયો

વિજય માલ્યાએ સુનાવણી પછી ટ્વીટર મેસેજીસમાં જણાવ્યું હતું કે ‘ઈશ્વર મહાન છે. ન્યાયનો વિજય થયો છે. હું કહેતો જ આવ્યો છું કે આરોપો ખોટા છે.’ તેણે ટ્વીટર પર સીબીઆઈ દ્વારા તેની હેરાનગતિ કરવાનો આક્ષેપ મૂક્યો હતો. ભાગેડુ બિલિયોનેરે કહ્યું હતું કે ‘ હું કિંગફિશરને અપાયેલા નાણા બેન્કોને ચૂકવવા તૈયાર છું. આ પછી મારી પાસે બાકી રહેતા નાણામાંથી કર્મચારીઓની બાકી નીકળતી રકમ તથા અન્ય લેણદારોને નાણા ચૂકવી જીવનમાં આગળ વધી જવા માગું છું.’

કોર્ટની મંજૂરી બાદ માલ્યાને તેની લાગણી વિશે પૂછાતા તેણે કહ્યું હતું કે,‘આમાં અનુભવ કરવા જેવું કઇ નથી. આ કોર્ટ છે. કોઈ ક્રિકેટ મેચ નથી, જેમાં કોણ જીતશે તેનું પૂર્વાનુમાન લગાવી શકાય.’ કોર્ટમાં જતી વેળાએ માલ્યાએ મીડિયાને જણાવ્યું હતું કે ‘મારા કેસની બરોબર રજૂઆત કરાશે. મારા પરિવારને ઘણી આશા છે. તેમણે ઘણું સહન કર્યું છે. મારે ભારત સરકારને એટલી જ વિનંતી કરવાની છે કે મારે કોઈ પ્રકારની રાહત જોઈતી નથી. નાણા તો છે જ, તમે ૧૦૦ ટકા નાણા પરત લઈ શકો છો.’ આ તેમના માટે છેલ્લી તક હોવાનો પ્રશ્ન પૂછાતા માલ્યાએ કહ્યું હતું ‘કદાચ હા, કદાચ ના. સુનાવણી પૂર્ણ થયા પછી તમને જાણવા મળશે.’

માલ્યા પર ભારતીય બેન્કોનું દેવું

ભારતીય બેન્કોનું રૂ. ૯૦૦૦ કરોડનું દેવું ધરાવતા બ્ઝનેસમેન માલ્યા વિરુદ્ધ ફ્રોડ, મની લોન્ડરિંગ, ફેમા કાયદાના ઉલ્લંઘનનો આરોપ છે. તેની કિંગફિશર એરલાઈન્સ કંપનીએ બેન્કો પાસેથી જંગી લોન લીધી હતી. માલ્યા ૨૦૧૬થી લંડન ભાગી ગયા પછી મુંબઈની ખાસ કોર્ટ (પીએમએલએ)એ તેને ભાગેડું જાહેર કર્યો છે. ઈડીએ દેશ-વિદેશમાં તેની સંપત્તિને ટાંચમાં લીધી છે. ગયા સપ્તાહે જ માલ્યાએ ફરી એકવાર ભારતીય બેંકોને તેમની લેણી નીકળતી રકમ લઇ લેવાની વિનંતી કરી હતી.

વેસ્ટમિન્સ્ટર કોર્ટે ગયા વર્ષે ડિસેમ્બરમાં માલ્યાના પ્રત્યાપર્ણનો નિર્ણય સંભળાવ્યો હતો. યુકેના ગૃહ સચિવે સાજિદ જાવિદે પ્રત્યાર્પણના આદેશને મંજૂરી આપી હતી જેના વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલ કરાઈ હતી. ભારત પ્રત્યાર્પણ કરાયા પછી માલ્યાને મુંબઈની આર્થર રોડ જેલના બેરેક નંબર ૧૨માં રાખવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter