લંડનઃ ભારતમાં પ્રત્યર્પણ થવાથી બચવા માટે ભાગેડુ કૌભાંડકાર અને લિકર ટાયકૂન બિઝનેસમેન વિજય માલ્યાએ હવે નવો માર્ગ શોધવાનો પ્રયાસ શરુ કરી દીધો છે. હાલ જામીન પર રહેલા માલ્યાએ બ્રિટનમાં રાજ્યાશ્રય મેળવવા બ્રિટિશ હોમ ઓફિસને અપીલ કરી હોવાનું કહેવાય છે જેના કારણે પ્રત્યર્પણ પ્રક્રિયા અટકી છે. જોકે, હોમ ઓફિસે માલ્યાના રાજ્યાશ્રયની અપીલ મુદ્દે સમર્થન કે ઈનકાર કર્યો નથી.
ભારતમાં પ્રત્યાર્પણની સામે ૬૫ વર્ષીય વિજય માલ્યાએ બ્રિટનની કોર્ટમાં અપીલ કરી હતી. જોકે, તેને કોર્ટે માન્ય નહોતી રાખી. હવે સમગ્ર મામલો હાલ બ્રિટિશ હોમ ઓફિસ પાસે છે. હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ માલ્યા વિરુદ્ધ ભારતમાં પ્રત્યર્પણ થકી હાલ બંધ પડેલી કિંગફિશર એરલાઈન્સ મારફત બેન્કો સાથે ફ્રોડ અને મની લોન્ડરિંગ મામલાની સુનાવણીનો સામનો કરવાના દસ્તાવેજો પર હસ્તાક્ષર ન કરે ત્યાં સુધી માલ્યા બ્રિટનમાં રહી શકશે. નિષ્ણાતોના કહેવા અનુસાર જો માલ્યાએ પ્રત્યર્પણ પ્રક્રિયાની વિનંતી પહેલા રાજ્યાશ્રયની અપીલ કરી હશે તો તેને બ્રિટનમાં રાજ્યાશ્રય મળવાની શક્યતાઓ વધુ રહેશે.
માલ્યાના વકીલ ફિલિપ માર્શલે ૨૨ જાન્યુઆરીએ હાઈ કોર્ટમાં નાદારી પ્રક્રિયાની સુનાવણી દરમિયાન કહ્યું હતુ કે પ્રત્યર્પણની પ્રક્રિયા યથાવત રાખવામાં આવી છે. જોકે માલ્યા હજુ પણ યુકેમાં જ છે કારણકે હોમ ઓફિસ સમક્ષ એસાઈલમની અપીલ કરવાનો માર્ગ હજુ પણ ખુલ્લો છે. ડેપ્યુટી ઈન્સોલ્વન્સી એન્ડ કંપનીઝ કોર્ટના જજ નાઈજેલ બાર્નેટ દ્વારા પ્રત્યર્પણ પ્રક્રિયાના સ્ટેટસ અંગે પ્રશ્ન કરાયો હતો. બીજી તરફ, યુકેની હોમ ઓફિસે ભારતને જણાવ્યું હતું કે ગુપ્ત ન્યાયિક પ્રક્રિયા ચાલી રહી હોવાથી પ્રત્યર્પણ નિર્ણય લઈ શકાયો નથી. આ કારણોસર માલ્યાએ બ્રિટનમાં રાજ્યાશ્રય માટે અપીલ કરી હોવાની અટકળો ચાલી છે.
ગયા વર્ષે ફ્રાન્સમાં વૈભવી પ્રોપર્ટીના વેચાણમાંથી માલ્યાના અંગત ખર્ચ અને કાનૂની ફી ચૂકવી શકાય કે કેમ તેની સુનાવણી હાઈ કોર્ટના કોમર્શિયલ ડિવિઝનમાં ચાલે છે. ભારતની સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા સહિતની બેન્કો દ્વારા લવાયેલી નાદારી પ્રક્રિયાના ભાગરુપે આ રકમ હાલ યુકેની કોર્ટ ફંડ્સ ઓફિસમાં જમા છે.