લંડનઃ ધ સોલિસિટર્સ ડિસિપ્લીનરી ટ્રિબ્યુનલે કુખ્યાત વિઝા કૌભાંડમાં જેલ ભોગવી રહેલા સોલિસિટર શેખ મુહમ્મદ ઉસ્માનનું રજિસ્ટ્રેશન રદ કરી દીધું છે. આના પરિણામે તેઓ હવે પ્રેક્ટિસ કરી શકશે નહિ. ટ્રિબ્યુનલે ૧૩ ઓગસ્ટના ચુકાદામાં રજિસ્ટ્રેશન રદ કરવા ઉપરાંત, ખર્ચના ૨,૫૦૦ પાઉન્ડ ચુકવવા પણ ઉસ્માનને આદેશ કર્યો છે.
શેખ મુહમ્મદ ઉસ્માન ખોટી ઓળખો હેઠળ લોકોને બ્રિટનમાં રહેવા દેવાના વિઝા કૌભાંડના કાવતરામાં સામેલ થવા બદલ એપ્રિલ ૨૦૧૮માં ક્રોયડન કોર્ટ દ્વારા સાત વર્ષની જેલની સજા ભોગવી રહ્યો છે. આ મોટાં કૌભાંડમાં હોમ ઓફિસના ઈમિગ્રેશન ડેટાબેઝના ખોટા રેકોર્ડ્સ બનાવવા એક કર્મચારીની મદદ લેવાતી હતી, જેના પરિણામે લોકોને અગાઉ પરવાનગી મળી હોય તેવા લોકોનાં બનાવટી નામ હેઠળ બ્રિટનમાં રહેવાની છૂટ મળતી હતી.
ક્રોયડન કોર્ટના જજ પીટર ગોવર QC એ ઉસ્માનને સાત વર્ષની જેલની સજા ફરમાવતા જણાવ્યું હતું કે આ કૌભાડમાં સામેલ થવાનો હેતુ માનવતાવાદી નહિ પરંતુ, માત્ર નાણાકીય હતો. મજબૂર અને મર્યાદિત સાધનો ધરાવતા લોકોના શોષણમાંથી નાણા મળતા હતા. ઉસ્માન હજુ જેલમાં છે અને ટ્રિબ્યુનલ સમક્ષ હાજર થયો ન હતો. તેણે સોલિસિટર્સ રેગ્યુલેશન ઓથોરિટી (SRA) સાથે પત્રવ્યવહારમાં પોતે નિર્દોષ હોવાનું જણાવ્યું હતું પરંતુ, સંબંધિત શિસ્તભંગના નિયમોનો ભંગ થતાં સજા થયાનું સ્વીકાર્યું હતું. ઉસ્માન ૨૦૦૮માં ઈંગ્લેન્ડથી સોલિસિટર તરીકે ક્વોલિફાય થયો હતો અને હમણાં સુધી સાઉથ લંડનના ટૂટિંગમાં હાર્વર્ડ સોલ્સિટર્સ તરીકે પ્રેક્ટિસ કરતો હતો.
આ જ મહિને SRA દ્વારા ઈલ્ફોર્ડમાં માર્ક મોર્ગન સોલિસિટર્સના ઈમિગ્રેશન લોયર અઝીઝ ઉર-રહેમાનની પ્રેક્ટિસ બંધ કરાવાઈ હતી.

