લંડનઃ વિદેશી કામદારો તેમના વિઝાની મુદત પુરી થયા પછી યુકે છોડીને જાય છે કે અહીં જ રહીને ગેરકાયદેસર કામ કરી રહ્યાં છે તેની માહિતી હોમ ઓફિસ પાસે છે જ નહીં તેવો આરોપ સાંસદોની કમિટીએ મૂક્યો છે.
સરકારી ખર્ચની ચકાસણી કરતી પબ્લિક એકાઉન્ટ્સ કમિટીએ જણાવ્યું છે કે અગાઉની કન્ઝર્વેટિવ સરકાર દ્વારા સ્કીલ્ડ વર્કર વિઝાનો પ્રારંભ કરાયો ત્યારથી કેટલા વિદેશી કામદારો વિઝાની મુદત પુરી થયા બાદ દેશ છોડી ગયા તેની સમીક્ષા કરવામાં હોમ ઓફિસ નિષ્ફળ રહી છે. સ્કીલ્ડ વિઝા શરૂ કરાયા ત્યારથી 2024ના અંત સુધીમાં આ વિઝા માટે 1.18 મિલિયન વિદેશી વર્કર્સે અરજી કરી હતી.
હોમ ઓફિસે તેના બચાવમાં જણાવ્યું હતું કે, અમને ભાંગી પડેલી ઇમિગ્રેશન સિસ્ટમ વારસામાં મળી છે અને અમે જનતાનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા પર કામ કરી રહી છે.
પરંતુ પબ્લિક એકાઉન્ટ્સ કમિટીએ આરોપ મૂક્યો છે કે વિઝા પુરો થયા બાદ લોકો યુકે છોડીને જાય છે કે કેમ તે અંગેની પાયાની માહિતી એકઠી કરવામાં હોમ ઓફિસ નિષ્ફળ રહી છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે હોમ ઓફિસ હજુ પણ કોઇ દેશ છોડીને ગયું છે કે કેમ તે ચકાસવા એરલાઇનના પેસેન્જર રેકોર્ડ પર આધાર રાખી રહી છે. હોમ ઓફિસે દેશ છોડીને જનારા લોકોનો રેકોર્ડ રાખવાના પગલાં નક્કી કરવાની જરૂર છે.