વિઝા ફી અને ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જમાં તોતિંગ વધારો

ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જ 624 પાઉન્ડથી વધારીને 1035 પાઉન્ડ પ્રતિ વર્ષ, સ્ટુડન્ટ, બાળકો અને યૂથ મોબિલિટી વિઝા હોલ્ડર માટેનો ડિસ્કાઉન્ટેડ રેટ 470 પાઉન્ડથી વધારીને 775 પાઉન્ડ કરાયો

Tuesday 18th July 2023 13:23 EDT
 
 

લંડનઃ ભારતીયોએ હવે બ્રિટન જવા માટે વઘુ નાણા ખર્ચવા પડશે. યુકેના વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું છે કે ભારતીયો સહિતના સમગ્ર વિશ્વના વિઝા અરજકર્તાઓ માટે બ્રિટનની વિઝા ફી અને હેલ્થ સરચાર્જમાં વધારો કરાશે. બ્રિટનના પબ્લિક સેક્ટરના કર્મચારીઓના વધારાયેલા પગારના ખર્ચને પહોંચી વળવા માટે વિઝા ફી અને હેલ્થ સરચાર્જમાં વધારાનો નિર્ણય લેવાયો છે.

વડાપ્રધાન સુનાકે જણાવ્યું હતું કે, જો આપણે પબ્લિક સેક્ટરના કર્મચારીઓનો પગાર વધારીએ છીએ તો તે માટે સરકારી તિજોરી પર પડનારા વધારાના બોજને પહોંચી વળવા માટે ક્યાંકથી તો નાણા એકઠાં કરવા પડશે. હું બ્રિટનની જનતા પર કરબોજ વધારવા ઇચ્છતો નથી કારણ કે તેનાથી ફુગાવામાં વધારો થશે. તેથી અમે બ્રિટનમાં આવનારા માઇગ્રન્ટ્સ પાસેથી લેવાતી વિઝા ફી અને ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. જોકે સરકારે કેટલીક ફી નાબૂદ કરવાનો પણ નિર્ણય કર્યો છે.

કઇ સેવા માટે કેટલો ચાર્જ વધારે ચૂકવવો પડશે...

  1. ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જ 624 પાઉન્ડથી વધારીને 1035 પાઉન્ડ પ્રતિ વર્ષ કરાયો. આ ચાર્જ 6 માસ કે તેથી વધુના સમયગાળા માટે બ્રિટન આવતા કામદારો અને બ્રિટિશ નાગરિક અને માઇગ્રન્ટના પરિવારજન દ્વારા ચૂકવવામાં આવે છે.
  2. સ્ટુડન્ટ, બાળકો અને યૂથ મોબિલિટી વિઝા હોલ્ડર માટેનો ડિસ્કાઉન્ટેડ રેટ 470 પાઉન્ડથી વધારીને 775 પાઉન્ડ કરાયો
  3. ઇમિગ્રેશન અને નેશનાલિટી ફીમાં વધારો કરાયો,વર્ક અને વિઝિટર વિઝા ફીમાં 15 ટકા સુધીનો વધારો
  4. સ્ટુડન્ટ વિઝા, સ્પોન્સરશિપ સર્ટિફિકેટ, સેટલમેન્ટ,સિટિઝનશિપ, એન્ટ્રી ક્લિયરન્સ માટેની ફીમાં 20 ટકા સુધીનો વધારો

કયા પ્રકારની ફી નાબૂદ કરાઇ

  1. બાયોમેટ્રિક એનરોલમેન્ટ પેટે વસૂલાતી 19.20 પાઉન્ડની ફી નાબૂદ કરાઇ
  2. ટ્રાન્સફર ઓફ કન્ડિશન્સ માટેનો 161 પાઉન્ડનો ચાર્જ નાબૂદ કરાયો
  3. ફિઝિકલ ડોક્યુમેન્ટ્સમાં વિગતો બદલવા માટે હવે કોઇ ફી લેવાશે નહીં
  4. બાયોમેટ્રિક રેસિડેન્સ પરમિટ બદલવા માટેની ફી નાબૂદ કરાઇ

વિઝા ફી વધારાની સૌથી ગંભીર અસર માઇગ્રન્ટ્સને થશે

લંડનઃ સરકારી કર્મચારીઓના પગાર વધારાના બોજાને પહોંચી વળવા માટે યુકે સરકાર દ્વારા વિઝા અને અન્ય ઇમિગ્રેશન ફીમાં કરાયેલા વધારાના કારણે યુકેમાં વસતા માઇગ્રન્ટ્સને ભય છે કે તેઓ તેમને મળતાં અધિકારો ગુમાવી દેશે. વિદેશી એનએચએસ કર્મચારીઓ અને શિક્ષણ ક્ષેત્રે સક્રિય વિદેશીઓને નવી વિઝા ફી ઘણી મોંઘી પડવાની છે. તેના પગલે માઇગ્રન્ટ્સ પરિવારો પાસેથી યુકેમાં વસવાટ માટે પ્રતિ વર્ષ હજારો પાઉન્ડ વસૂલવામાં આવશે. વર્ક વિઝા અને વિઝિટર વિઝાની ફીમાં 15 ટકા અને સ્ટડી વિઝા, સર્ટિફિકેટ ઓફ સ્પોન્સરશિપ, સેટલમેન્ટ, સિટિઝનશિપ,વાઇડર એન્ટ્રી ક્લિયરન્સ, પ્રાયોરિટી વિઝાની ફીમાં ઓછામાં ઓછો 20 ટકાનો વધારો કરાયો છે. માઇગ્રન્ટ સપોર્ટ ચેરિટીના જોસેફાઇન વ્હિટેકર-યિલમાઝ કહે છે કે વિઝા ફીમાં વધારાનો બોજો અલગ અલગ સમુદાયો પર અલગ અલગ રહેશે. જે લોકો યુકેમાં વર્ક વિઝા પર કામ કરી રહ્યાં છે તેમના પર સીધી અસર નહીં પડે કારણ કે તેમના નોકરીદાતા તેમનો આ બોજો ઉઠાવી લેશે. પરંતુ હજારો લોકો એવા પણ છે જેઓ વર્ષોથી યુકેમાં રહે છે, તેમના સંતાનો બ્રિટિશ નાગરિક બની ગયાં છે અથવા તો બ્રિટિશ નાગરિક સાથે લગ્ન કર્યાં છે તેમને નવી ફી પરવડશે નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter