લંડનઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી ટેસ્ટ ક્રિકેટ સીરિઝમાં ઇંગ્લેન્ડની ટીમના ખેલાડી શોએબ બસિરને વિઝાના કારણોસર બ્રિટન પરત ફરવાની ફરજ પડતાં વિવાદ સર્જાયો છે. પાકિસ્તાની મૂળના બ્રિટિશ ખેલાડી બસિરને વિઝા મામલાના ઉકેલ માટે બ્રિટન પરત ફરવાની ફરજ પડી છે. ઇંગ્લેન્ડના કપ્તાન બેન સ્ટોક્સે આ મામલે નારાજગી વ્યક્ત કરી છે તો ભારતના કપ્તાન રોહિત શર્માએ આશા વ્યક્ત કરી છે કે આ મામલાનો ઝડપથી ઉકેલ આવશે. વિવાદ બાદ શોએબ બસિરને વિઝા જારી કરી દેવાયો હતો.
બસિરના મામલામાં યુકેના વડાપ્રધાન રિશી સુનાકના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, સરકાર આશા રાખે છે કે ભારતની વિઝા પ્રક્રિયાઓમાં બ્રિટિશ નાગરિકો સાથે ન્યાયી વર્તન કરવામાં આવે. અમે આ મામલામાં ચોક્કસપણે કશું કહી શક્તાં નથી પરંતુ અમે અગાઉ પણ આ પ્રકારના મામલાઓમાં ભારતીય હાઇ કમિશન સમક્ષ રજૂઆતો કરી છે. અમે ઇચ્છીએ છીએ કે ભારત વિઝા પ્રોસેસમાં બ્રિટિશ નાગરિકો સાથે ન્યાયી વર્તન કરે. આ અગાઉ પણ પાકિસ્તાની મૂળના બ્રિટિશ નાગરિકો સાથે કરાયેલા વર્તનનો મુદ્દો અમે ભારત સમક્ષ ઉઠાવી ચૂક્યાં છીએ. લંડન સ્થિત ભારતીય હાઇ કમિશનમાં વિઝા માટે અરજી કરનારા પાકિસ્તાની મૂળના બ્રિટિશ નાગરિકોને થયેલા અનુભવો અંગે પણ અમે રજૂઆતો કરી છે.


